વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ભાજપના નેતા માવજી પટેલે ઉમેદવારી પરત ન લેતા ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા છે. આ સસ્પેન્શનને ગેનીબેન ઠાકોરે ભાજપનું ષડયંત્ર ગણાવતા કહ્યુ ભાજપના ચાવવાના અને બતાવવાના દાંત જૂદા છે. વધુમાં ગેનીબેને જણાવ્યું કે વર્ષ ૨૦૨૨માં એ જ આખો સમાજ હતો જે એમના એક વ્યક્તિની ઈશારે ૯૦ ટકા વોટ ભાજપને આપ્યા હતા. એ જ ઉમેદવાર અને એ જ પક્ષ હતો. ગેનીબેને કહ્યુ સસ્પેન્ડ કરે કે ન કરે એ ભાજપનો મામલો છે. જો કે સસ્પેન્શનને તેમણે ભાજપની એક રાજનીતિ નો જ ભાગ ગણાવ્યો.
આ તરફ વાવ વિધાનસભા બેઠક રાજકીય પક્ષો માટે વટનો સવાલ બની ગઇ છે અને તેને કબ્જે કરવા માટે ભાજપ, કોંગ્રેસ સહિત અપક્ષો પણ એટી ચોટીનુ જોર લગાવી રહ્યા છે. જેમા મતદારોને રિઝવવા હવે એક પછી એક જ્ઞાતિ અને જાતિ આધારિત સંમેલનો યોજાઇ રહ્યા છે. વાવમાં કોંગ્રેસના ઠાકોર અને દલિત સમાજના સંમેલન બાદ આજે માલધારી સમાજનુ વિશાળ સંમેલન મળ્યુ. જેમા કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર, વિપક્ષના નેતા અમિત ચાવડા સહિત પૂર્વ સાંસદ, ધારાસભ્યો અને કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા. વાવ વિધાનસભા બેઠકમાં માલધારી સમાજના ૨૫ હજાર જેટલા મત છે. ત્યારે માલધારી સમાજને રિઝવવા માટે કોંગ્રેસે કવાયત હાથ ધરી છે. કોંગ્રેસના નેતા ઠાકરશી રબારી તેમજ અન્ય સમર્થકોએ જણાવ્યું કે માલધારી સમાજ કોંગ્રેસની સાથે જ છે.
આ તરફ રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ પણ જીતનો આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યુ કે ભાજના માવજી પટેલ નહીં પરંતુ આખુ ભાજપ માવજી પટેલની સાથે છે. માવજી પટેલને ભાજપની જ બી ટીમ ગણાવતા કહ્યુ તેઓ ભાજપના જ ઉમેદવાર છે. વધુમાં તેમણે જણાવ્યુ કે માલધારી સંમેલનનો પડઘો પડશે અને કોંગ્રેસનો વિજય થશે.
વાવ તાલુકાના આકોલી ગામના વતની માવજી પટેલ પહેલા વાવ અને થરાદ વિધાનસભાનું નેતૃત્વ કરી ચૂક્યા છે. માવજી પટેલ પહેલા ૨૦ મુદ્દા અમલીકરણ હાઈ પાવર કમિટીમાં પણ રહી ચૂક્યા છે. તેઓ વર્ષ ૧૯૯૦ માં જનતા દળમાં ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને પટેલ સમાજમાં મોટું પ્રભુત્વ પણ ધરાવે છે. તેઓ અગાઉ કોંગ્રેસમાં રહી ચૂક્યા છે ત્યાર બાદ ભાજપમાં જોડાયા હતા. તેઓ થરાદ ખાતે એકવાર અપક્ષ પણ ચૂંટણી લડ્યા હતા, જેમાં તેમની હાર થઈ હતી.
વાવ વિધાનસભા પેટા ચૂંટણીના અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલના સમર્થનમાં અગાઉ ભાભર ખાતે મોટી સંખ્યામાં ચૌધરી પટેલ સમાજની બેઠક યોજાઇ હતી. જેમાં માર્કેટ યાર્ડના ચેરમેન લાલજીભાઈ પટેલ પણ બેઠકમાં જાડાયા હતા. અપક્ષ ઉમેદવાર જામાભાઈ પટેલે પણ માવજીભાઈને સમર્થન આપ્યું હતું. તો આ બેઠકમાં ચૌધરી પટેલ સમાજના યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ૬૪ ગોળ પટેલ સમાજે પણ માવજી પટેલને ટેકો જાહેર કર્યો હતો.
ચૌધરી પટેલ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે,’ ભાજપ પાર્ટી દ્વારા અમને ટિકિટ નહીં મળતા અમે માવજીભાઈને જાહેરમાં ટેકો આપીએ છીએ. માવજીભાઈ ચૂંટણી લડશે અને માવજીભાઈ ચૂંટણી જીતશે. માવજીભાઈ પટેલને વોટ તો આપીશું પણ પૈસાની જરૂર પડે તો પણ અમે આપીશું. પટેલ સમાજના અનેક રાજકીય સામાજિક આગેવાનો સાથે મળીને લીધેલા નિર્ણયને તમામ લોકોએ વધાવી લીધો હતો.’