નેશનલ ઇન્વિસ્તીગેશન એજન્સી કોર્ટે ૨૦૦૮ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં ભાજપ નેતા સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. ભોપાલના પૂર્વ ભાજપ સાંસદ પ્રજ્ઞા ૨૦૦૮ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપી છે.
આ કેસ ૨૯ સપ્ટેમ્બર, ૨૦૦૮ ના રોજ મહારાષ્ટ્રના માલેગાંવમાં થયેલા બોમ્બ વિસ્ફોટથી સંબંધિત છે, જેમાં છ લોકો માર્યા ગયા હતા અને ૧૦૦ થી વધુ ઘાયલ થયા હતા. માલેગાંવ બ્લાસ્ટ કેસની પ્રારંભિક તપાસ એનઆઈએને સોંપવામાં આવે તે પહેલા મહારાષ્ટ્ર એટીએસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. મહારાષ્ટ્ર એટીએસે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની અટકાયત કરી હતી અને તેની લાંબા સમય સુધી પૂછપરછ કરી હતી.
ગયા મહિને પ્રજ્ઞા ઠાકુરના વકીલે કોર્ટને કહ્યું હતું કે આ વિસ્ફોટ પ્રતિબંધિત સ્ટુડન્ટ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડીયા દ્વારા કરવામાં આવ્યો હોઈ શકે છે. ઠાકુર તરફથી હાજર રહેલા એડવોકેટ જેપી મિશ્રાએ દાવો કર્યો હતો કે માલેગાંવના ભીકુ ચોકમાં વિસ્ફોટ બાદ સ્થાનિક લોકોએ પોલીસને ઘટનાસ્થળે પહોંચતા અટકાવી હતી. સંભવતઃ આરોપીને બચાવવા માટે આવું કરવામાં આવ્યું હશે.
માલેગાંવ બ્લાસ્ટ કેસમાં પ્રજ્ઞા ઠાકુર વિરુદ્ધ આ પહેલું વોરંટ જારી નથી થયું. આ વર્ષે માર્ચમાં એનઆઇએ કોર્ટે વિસ્ફોટના મુખ્ય આરોપી એવા ભાજપના નેતાની ધરપકડ માટે જામીનપાત્ર વોરંટ પણ જારી કર્યું હતું. ત્યારબાદ ૧૦,૦૦૦ રૂપિયાનું વોરંટ જારી કરવામાં આવ્યું હતું કારણ કે પ્રજ્ઞા ઠાકુર હાજર થવાનો નિર્દેશ હોવા છતાં કોર્ટમાં ગેરહાજર રહી હતી.
માર્ચની સુનાવણી દરમિયાન, પ્રજ્ઞા ઠાકુરના વકીલે તેમની ખરાબ તબિયતને ટાંકીને કોર્ટમાં હાજરીમાંથી મુક્તિની વિનંતી કરી હતી. આ સાથે ભોપાલમાં તેમના ડાક્ટર દ્વારા જારી કરાયેલા પત્રની ફોટોકોપી કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.