આજથી માર્ચ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને મહિનાના પહેલા જ દિવસે એટલે કે ૧ માર્ચે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ એકવાર ફરીથી વધી ગયા છે. ૧ માર્ચના રોજ ગેસનો બાટલો મોંઘો થયો છે. જા કે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ફરીથી એકવાર કોમર્શિયલ ગેસના ભાવમાં વધારો કર્યો છે.
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સતત બીજા મહિને ૧૯ કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરીને મોંઘવારીનો ઝટકો આપ્યો છે. ગત મહિને બજેટવાળા દિવસે એટલે કે ૧ ફેબ્રુઆરીના રોજ ૧૪ રૂપિયાનો વધારો કર્યા બાદ હવે સિલિન્ડરના ભાવમાં એકવાર ફરીથી વધારો કરતા કોમર્શિયલ ગેસનો બાટલો ૨૫.૫૦ રૂપિયા મોંઘો થયો છે. ઓએમસીએ ૧૯ કિલોગ્રામવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ વધાર્યા છે. જે આજથી એટલે કે ૧ માર્ચ ૨૦૨૪થી લાગૂ થઈ ગયા છે. આ ઉપરાંત હવાઈ ઈંધણના ભાવ પણ વધ્યા છે.
નવા ભાવ મુજબ રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર ૧૭૯૫ રૂપિયામાં મળશે. જ્યારે કોલકાતામાં ૧૯૧૧ રૂપિયામાં બાટલો મળશે. મુંબઈમાં ૧૯ કિલોગ્રામવાળા સિલિન્ડરનો ભાવ હવે વધીને ૧૭૪૯ રૂપિયા થયો છે. ચેન્નાઈમાં ૧૯૬૦.૫૦ રૂપિયા રેટ થયો છે.
ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરાયો નથી. માત્ર કોમર્શિયલ ગેસના બાટલામાં ભાવ વધારો ઝીંકાયો છે. ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ હાલ સ્થર છે. દિલ્હીમાં ૧૪.૨ કિલોગ્રામવાળા ગેસ સિલિન્ડરનો ભાવ ૯૦૩ રૂપિયા, કોલકાતામાં ૯૨૯ રૂપિયા, મુંબઈમાં ૯૦૨.૫૦ રૂપિયા અને ચેન્નાઈમાં ૯૧૮.૫૦ રૂપિયામાં બાટલો મળે છે. ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ લાંબા સમયથી સ્થર છે.
આ અગાઉ ફેરફાર હેઠળ દિલ્હામાં ૧૯ કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ ૧૭૫૫.૫૦ રૂપિયાથી વધીને ૧૭૬૯.૫૦ રૂપિયા કરવામાં આવ્યો હતો. જ્યારે કોલકાતામાં એક સિલિન્ડરનો ભાવ ૧૮૬૯ રૂપિયાથી વધારીને ૧૮૮૭ રૂપિયા કરવામાં આવ્યો હતો. મુંબઈમાં પહેલા જે કોમર્શિયલ સિલિન્ડર ૧૭૦૮ રૂપિયે મળતો હતો તે હવે ૧૭૨૩ રૂપિયાનો થઈ ગયો હતો. ચેન્નાઈમાં પણ ભાવ ૧૯૨૪.૫૦ રૂપિયાથી વધીને ૧૯૩૭ રૂપિયા થયો હતો.
ઓઈલ કંપનીઓએ આજે હવાઈ ઈંધણના પણ ભાવ વધાર્યા છે. હવાઈ ઈંધણના ભાવમાં ૬૨૪.૩૭ રૂપિયા કિલો પ્રતિ લીટરનો વધારો કર્યો છે. ભાવમાં વધારાથી સતત ચાર કાપના સિલસિલા પર બ્રેક લાગી છે. હવાઈ ઈંધણના નવા ભાવ પણ આજથી લાગૂ થઈ શકે છે.