(૧) ધરમ ભાઈ એટલે સગો ભાઈ નહિ, ધરમ બહેન એટલે સગી બહેન નહિ તો ધરમ પત્ની એટલે સગી પત્ની કેમ?
જીગર આહીર (દાત્રાણા-પાટણ )
પત્નીમાં સગી પત્ની અને થોડી દૂરની પત્ની એવા ઓપ્શન નથી આવતા એટલે.
(૨) મારે મારા લગ્ન અલગ જ રીતે કરવા છે. શું કરું?
નિરવ ડણાક (અમરેલી)
તમારા લગ્નનો ચાંદલો લખવા તમે પોતે બેસો.
(૩) વસ્તી અને પસ્તી વચ્ચે શું સંબંધ?
રમાબેન પટેલ (અમદાવાદ)
બન્ને વધે એટલે એનું મૂલ્ય ઘટે.
(૪) ઠંડીમાં માથે મફલર બંધાય કે ટોપો પહેરાય?
જય દવે (ભાવનગર)
વાળ અસ્તવ્યસ્ત થઈ જવાની બીક રહેતી હોય તો કંઈ ન પહેરાય. વાળ જ ન હોય તો ગમે એ પહેરાય.
(૫) તમે કિયા તે ગામના ગોરી રાજ અચકો મચકો “કારેલી” કે “કા રે અલી” ?
કનુભાઈ પરમાર (દામનગર)
‘કાં કર એલી?’ એમ હશે કદાચ.. બાકી તો તમે ગમે એવા કવિને ગોટે ચડાવી દેવાની તાકાત ધરાવો છો!
(૬) દિલ્હી ચૂંટણીમાં તમે મુખ્ય ચૂંટણી નિરીક્ષક તરીકે જવાના છો?
રાજુ એન. જોષી ધરાઈ(બાલમુકુંદ)
દિલ્હી તો જવા આવવાનું થયા કરે પણ એનો અર્થ એ નહિ કે તમારે દર વખતે મારી સાથે કોઈને કોઈ વસ્તુ મંગાવ્યા કરવી!
(૭) ભગવાન અવતાર ક્યારે લેશે?
રામભાઈ પટેલ (સુરત)
સલવાણા લાગો છો!
(૮) શ્રદ્ધા હોય તો પુરાવાની શી જરૂર?
દીપમાલાબેન હરિયાણી (ખાંભા)
આવું અદાલત ન માને. પુરાવો ન આપીએ તો પૂરી દે.
(૯) કર્મ મહાન કે ભાગ્ય મહાન ?
ભાવિકા પરમાર (ધિણોજ)
જવાબ આપવામાં થોડો સમય આપશો? ટીવી પર બે ચાર ધાર્મિક પ્રવચનો સાંભળી લઉં એટલે કૈક આઈડિયા આવે.
(૧૦) ચા બનાવતી વખતે દૂધ અને પાણીનું પ્રમાણ કેટલું રાખવું?
દર્શન પટેલ (વડોદરા)
પત્નીજી પિયર ગયા લાગે છે!
(૧૧) કમાનાર વ્યકિતએ જીવનસાથીને મહિને કેટલા રૂપિયા ઘરખર્ચ માટે આપવા જોઈએ?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
ધણીને દેવું તો ગણીને શું દેવું?!
(૧૨) જીવનમાં સર્વશ્રેષ્ઠ દિવસ ક્યો
આભાર – નિહારીકા રવિયા ?
જયશ્રીબેન બી મહેતા (કોટડાપીઠા)
આ.
(૧૩) મારે એક કાર્યક્રમમાં મોર વિશે બોલવાનું છે. તો શું બોલું?
નીરજા આર. દવે (અમદાવાદ)
ટેહુક.. ટેહૂક ટેહુક..!
(૧૪) નજીકનાનો પતંગ કાપુ કે દુરનાનો?
તારક વ્યાસ (સુરત)
જે કાપવો હોય એ જલદી કાપો. નહિતર એ લોકો તમારો પતંગ કાપી નાખશે.
(૧૫) મારો છોકરો મારું કહ્યું માનતો નથી એનું શું કારણ હશે?
દુલાભાઈ દરજી(જૂનાગઢ)
આપશ્રી આપના પિતાશ્રીનું કહ્યું નહિ માન્યા હો!
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..