બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યનની ફિલ્મ ધમાકા તાજેતરમાં જ રીલિઝ થઈ છે. ફિલ્મને સારો રિસ્પોન્સ મળ્યો છે. લોકોએ કાર્તિકના અભિનયના વખાણ પણ કર્યા છે. આ પહેલા કાર્તિકે ફિલ્મ પ્યાર કા પંચનામા અને સોનુ કે ટીટૂ કી સ્વીટી જેવી હિટ ફિલ્મો આપી છે. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે તે કરણ જોહરની ફિલ્મ દોસ્તાના ૨માં જોવા મળશે. પરંતુ પાછળથી ખબર મળી હતી કે કાર્તિકના અનપ્રોફેશનલ વ્યવહારને કારણે તેને પ્રોજેક્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. જો કે કરણ અને કાર્તિકમાંથી કોઈએ આજ સુધી આ બાબતે સત્તાવાર ખુલાસો નથી આપ્યો. બન્ને પક્ષ તરફથી ચુપ્પી સાધવામાં આવી છે. જો કે હવે આડકતરી રીતે કાર્તિક આર્યને આ બાબતે પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. તાજેતરમાં જ એક કાર્યક્રમ દરમિયાન કાર્તિક આર્યનને દોસ્તાના-૨ બાબતે પ્રશ્ન કરવામાં આવ્યો. પહેલા તો તેણે આ બાબતે વાત કરવાની ના પાડી દીધી, પરંતુ પછીથી કહ્યું કે, હું કોઈ બોલિવૂડ કેમ્પનો ભાગ નથી. હું અહીંયા મારી પ્રતિભાને કારણે પહોંચ્યો છું અને ભવિષ્યમાં પણ આ જ રીતે આગળ વધીશ. હું કરણ જોહરની ફિલ્મ દોસ્તાના ૨ પર કોઈ કમેન્ટ કરવા નથી માંગતો. ઉલ્લેખનીય છે કે આ જ વર્ષે એપ્રિલ મહિનામાં ધર્મા પ્રોડક્શને જોહેરાત કરી હતી કે કાર્તિક આર્યન હવે આ ફિલ્મનો ભાગ નથી. એક સ્ટેટમેન્ટ જોહેર કરવામાં આવ્યુ હતું જેમાં કહેવામાં આવ્યુ હતું કે, પ્રોફેશનલ પરિસ્થિતિને કારણે અમે કોલીન ડી-કુન્હાના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ દોસ્તાના-૨ માટે ફરીથી કસ્ટિંગ કરીશું. જે પરિસ્થિતિને કારણે અમારે આ બદલાવ કરવા પડી રહ્યા છે, તેના પર અમે મૌન સાધવાનું પસંદ કરીશું. ઉલ્લેખનીય છે કે દોસ્તાના-૨માંથી બહાર થયો તે પહેલા કાર્તિકે ૨૦ દિવસ શૂટ કર્યુ હતું. હવે ફરીથી કસ્ટિંગ થશે તો ધર્મા પ્રોડક્શને તે તમામ સીન્સ ફરીથી શૂટ કરવા પડશે. અત્યારે કાર્તિક આર્યન દિલ્હીમાં ફિલ્મ શહઝાદાના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મના ડિરેક્ટર રોહિત ધવન છે. ફિલ્મમાં પરેશ રાવલ, કૃતિ સેનન, મનીષા કોઈરાલા અને રોનિત રોય પણ છે. આ ફિલ્મ નવેમ્બર, ૨૦૨૨માં સિનેમાઘરોમાં રીલિઝ થશે. આ સિવાય કાર્તિક પાસે ફ્રેડી, ભુલ ભુલૈયા ૨, કેપ્ટન ઈન્ડિઝયા અને સાજીદ નડિયાદવાલાની અપકમિંગ ફિલ્મ પાઈપલાઈનમાં છે. નોંધનીય છે કે ફિલ્મ દોસ્તાના વર્ષ ૨૦૦૮માં રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા, જોન અબ્રાહમ અને અભિષેક બચ્ચન લીડ રોલમાં હતા. હવે આ ફિલ્મની સિક્વલ તૈયાર થઈ રહી છે.