અમરેલી શહેરમાં અંગત અદાવત અને શંકાના આધારે એક યુવક પર જીવલેણ હુમલો કરવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. આરોપીએ પોતાની બહેન સામે ફરિયાદી ખરાબ નજર રાખતો હોવાની શંકા રાખી, ફરિયાદીની કારને ટક્કર મારી અને ધારીયા વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.લાલાવદર ગામના ભાવેશભાઈ ઘનશ્યામભાઈ માતરીયા (ઉ.વ. ૩૭) એ તેમના જ ગામના જયદેવભાઈ નજુભાઈ વાળા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ વિગત મુજબ, ભાવેશભાઈ પોતાની કાર લઈને અમરેલી રાધેશ્યામ ચોકડીથી સાવરકુંડલા ચોકડી બાયપાસ પર આવેલ ગેસ એજન્સીના ગોડાઉન પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન આરોપીએ પોતાની સફેદ રંગની કાર વડે તેમનો પીછો કર્યો હતો.આરોપીને શંકા હતી કે ભાવેશભાઈ તેની બહેન સામે ખરાબ નજરે જુએ છે, જેના કારણે તેણે જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હતો. આરોપીએ પોતાની કાર ફરિયાદીની કાર સાથે અથડાવી ડ્રાઈવિંગ સાઈડ પર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, આરોપીએ કાર આગળ ઉભી રાખી રસ્તો રોક્યો અને રિવર્સમાં ગાડી લાવી ફરીથી ટક્કર મારી હતી. ત્યારબાદ ગાડીમાંથી લોખંડનું ધારીયું કાઢી ફરિયાદીની કારના કાચ તોડી નાખ્યા હતા.આરોપીએ ઉશ્કેરાઈને બૂમો પાડી હતી કે, આજે તો તને મારી જ નાખવો છે,તેમ કહીને ધારીયા વડે આડેધડ ૬ થી ૭ ઘા માર્યા હતા. આ હુમલામાં યુવકને બંને હાથે ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલો કર્યા બાદ આરોપી ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.










































