બનાસકાંઠા જિલ્લા પંચાયતના કાણોદર સીટના ઉમેદવાર નિશા કલબે અબ્બાસના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કાણોદર ખાતે પહોંચ્યા હતા. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ભાજપ ઉપર શાબ્દીક પ્રહારો કરતા કહ્યું કે, મારા મત વિસ્તારમાં ઉમેદવારોને ૨૫-૨૫ લાખ રૂપિયાની ઓફર ભાજપના લોકોએ કરી છે. પરંતુ, મારા મત વિસ્તારના ઉમેદવારો ચલિત થયા વિના ઈમાનદારી રાખી છે.
જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, “ભાજપના લોકોએ બહુ નોટો છાપી છે, ચૂંટણીના આગલા દિવસે ૫૦૦ના બંડલ લઈને આવશે. તમને ખરીદવા આવશે. પરંતુ, તમે એમને કહી દેજા કે અમે રવિશંકર મહારાજ, ઈન્દુલાલ યાજ્ઞિક અને ગાંધી સરદારના ગુજરાતીઓ છીએ, તમારા ૫૦૦ રૂપિયાની બે-પાંચ પત્તીઓ માટે અમે અમારું જમીર દાવ પર મૂકવાના નથી. નેતાઓ તમને એક દિવસ માટે ખરીદશે બાકી પાંચ વર્ષ માટે તમને વેચી મારશે.”
નોંધનીય છે કે, છાપી ખાતે યોજાયેલી બેઠકમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ઉપર આડકતરી રીતે જિલ્લા પ્રભારી ધવલ દવેએ નિવેદન આપ્યું હતું. તેમણે મોદી સાહેબના હાથ મજબૂત કરવા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને ઘર ભેગા કરવા માટેના નારા લગાવ્યા હતા. જે વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેનો વળતો જવાબ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આપ્યો છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં હવે પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયો છે. રાજકીય પાર્ટીઓના નેતાઓ એકબીજા ઉપર આક્ષેપો કરી રહ્યા છે. ગઈકાલે છાપી ખાતે ભાજપ કારેલા ઉદ્ઘાટન પ્રસંગે પ્રભારી ધવલ દવે આડકતરી રીતે નિવેદન આપ્યું હતું, જે નિવેદન બાદ આજે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ પણ એ ભાજપના લોકો દ્વારા ઉમેદવારોને ખરીદવાના પ્રયાસો કરાતા હોવાના આક્ષેપો કર્યા છે.
કાણોદર જિલ્લા પંચાયતનીસીટએ જિલ્લાની મોટી સીટ માનવામાં આવે છે. આ જિલ્લા સીટ પર નિશા કલબે અબ્બાસને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે, જાકે કાણોદર તાલુકા પંચાયત સીટ ઉપર પણ ત્રણ મહિલા અને એક પુરુષ ઉમેદવારને ટિકીટ આપી છે.







































