દેશની જનતા નવી લોક્સભા ચૂંટી કાઢવા માટે મતદાન કરી રહી છે. વધુમાં વધુ મતદાન થાય એ માટે તંત્ર અને રાજકીય તેમજ પ્રબુદ્ધ પ્રજાવર્ગ તરફથી મતદારને અપીલ થઇ રહી છે. ચૂંટણીપંચ, સરકારના અન્ય વિભાગો, સામાજિક, રાજકીય, બિન-રાજકીય સંસ્થાઓ દ્વારા જાગૃતિ અભિયાન ચલાવીને મતદારને આંગળીએ શાહીનું ટપકું મુકાવવા જગાડવામાં આવી રહ્યો છે. શા માટે વધુમાં વધુ મતદાન જરૂરી છે.? આવડા મોટા સમૂહમાં કોઈ એક નાગરિકનો મત શા માટે મહત્વનો છે.? જયારે મોટા સમૂહનો અભિપ્રાય એકઠો કરવામાં આવી રહ્યો હોય, ત્યારે વધુમાં વધુ વ્યાપમાંથી એ અભિપ્રાય આવે એ જરૂરી છે. જે તરફી હોય તે, સમર્થનમાં કે વિરુદ્ધમાં, બહોળો જનાદેશ જે તે તરફની વિશ્વસનીયતામાં તેટલો વધારો કરે છે. સંપૂર્ણ બહુમત લોકશાહી ઢબે ચૂંટાયેલ સરકાર માટે અને દેશ માટે ખુબ અગત્યનો શબ્દ છે. ખીચડી અને ટેકાવાળી સરકારોના શાસન અને વહીવટ દેશની જનતાએ જોયેલા છે. એક બીજા પક્ષના હિત સાચવવા અને સરકાર ટકાવી રાખવા જે સમાધાન અને બાંધછોડ થાય એ સરવાળે દેશહિતને નુકસાન થાય છે. આ સંજોગોમાં એવા લોકો પણ શાસનમાં આવી જાય છે, જેની લાયકાત વર્ગખંડના મોનીટર કરતા પણ ખુબ ઓછી હોય છે. તેઓ એક રાજકીય સમીકરણ આધારે અનાયાસે સત્તામાં આવી ચઢે છે.
આ એક જ પ્રસંગ કે ઘટના છે જેમાં છેક છેવાડાનો માણસ પણ સરકાર રચવામાં સહભાગીદાર બની શકે છે. સરકાર બની ગયા બાદ તેની ભૂમિકા એટલી સક્રિય હોતી નથી. મત આપતા સમયે મતદારનું માનસ જેટલું સાફ અને સ્થિર હોય, જનાદેશ તેટલો પાકટ મળવો સંભવ છે. આ એક જ ઘટના છે જેમાં દેશના તમામ નાગરિકને જ્ઞાતિ, જાતિ, ઉચ-નીચ, અમીર ગરીબના ભેદભાવ વિના એક કતારમાં ઉભા રહીને સમાન અધિકારો મળે છે. દેશના અંતરિયાળ ખૂણે બેઠેલો કાફલાનો છેલ્લો આદમી આ પ્રવાસમાં એટલો જ અગત્યનો છે, જેટલો કાફલાને દોરી જનાર છે કે કાફલામાં સૌથી પ્રથમ ચાલી રહ્યો છે. દોરી જનાર એ છેલ્લા આદમી વિના આગળ જઈ શકતો નથી. ૧૯૫૧ની પ્રથમ લોકસભા ચૂંટણીમાં ભારતની કુલ વસ્તી ૩૬ કરોડ આસપાસ હતી. જેમાં ૧૦ કરોડ ૫૯ લાખ મતદારોએ મત આપ્યો હતો. જે ટકાવારી મુજબ લગભગ ૪૫% જેટલું મતદાન હતું. વર્ષ ૨૦૧૯માં ૬૧ કરોડ ૪૭ લાખ મતદારોએ મત આપ્યો હતો. જે ૬૭% જેટલું મતદાન હતું. પ્રથમ લોકસભા ચૂંટણીમાં ૧૮૭૪ ઉમેદવારો ઉભા હતા, જ્યારે ૨૦૧૯માં આ સંખ્યા ૮૦૫૪ સુધી પહોચી છે. જે ભારતની લોકસભા ચૂંટણીના ઈતિહાસમાં સૌથી વધુ મતદાન ટકાવારી હતી અને ઉમેદવાર સંખ્યા હતી. પ્રજામાં શિક્ષણ અને જાગૃતિ અને સરકારની વિવિધ પાંખો દ્વારા અમલી પ્રયાસો દ્વારા આ પરિણામ સિદ્ધ થઇ શક્યું છે. બુથ કેપ્ચરીંગ અને બોગસ મતદાન જેવા શબ્દો હવે સંભાળવા મળતા નથી. વિશ્વનું સૌથી મોટું મતદાન મહદઅંશે પારદર્શક કરાવવામાં તંત્ર સફળ રહ્યું છે. દેશ અને ભારતીય ચૂંટણીપંચની એ સિદ્ધિ છે કે ચૂંટણીપંચ દુનિયાના આશરે ચાલીસ જેટલા દેશોમાં ચૂંટણી અંગેની તાલીમ આપે છે. એ બીજી વાત છે કે અહિયાં ઘરઆંગણે ઘણા અર્ધશિક્ષિત નેતાઓ અને તેના સોશ્યલ મીડિયા ફોલ્ડરિયાઓ પોતાનું અધકચરું જ્ઞાન પ્રગટ કરીને વાંધાઓ ઉઠાવતા રહે છે. આપણે તો કોઈ દિવસ મતદાન નથી કરતા… મારા એક મતથી શું ફરક પડી જવાનો છે ? એવું રુઆબભેર કહેવાવાળો નાગરિક આ દેશ માથે ભાર છે. એ પરિવારના એ સદસ્ય જેવો છે જે પરિવારની કોઈ જવાબદારીનું વહન કરતો નથી પણ રોજ શાકમાં તેને મીઠું ઓછું વધુ લાગે છે કે રોટલી બળી ગયાની ફરિયાદ હમેશા રહ્યા કરે છે. જે લોકશાહીના દ્રઢીકરણમાં હિસ્સો નથી લેતો એણે એ પછી ચૂંટાયેલી સરકાર કે વિપક્ષ તરફ આંગળી ઉઠાવવાનો કોઈ અધિકાર નથી. આ લોકશાહીના રસ્તા પર પડેલા ખાડા છે જે લોકશાહીની પરિપક્વતા, સુદ્રઢતાની ગતિને ધીમી પાડતા રહે છે.
માણસ જેમ પોતાના અંગત ભવિષ્યનું આયોજન કરે છે અને તે પ્રમાણે પ્રયાસો આદરે છે તેમ દરેક નાગરિકે દેશના ભવિષ્ય માટે પોતાની મતિ મુજબ આયોજન કે અપેક્ષા સેવીને મત આપવો એ ફરજ પણ છે અને જવાબદારી પણ છે. સરવાળે તો જનતાની અપેક્ષાઓનું પ્રતિબિંબ જ સરકાર છે. સોસાયટીમાં ઉભરાતી ગટર એક પ્રશ્ન જરૂર છે, પણ તેની સામે રાષ્ટ્રવાદને પલડામાં મૂકીને વોટ કરવો ઘાતક માનસિકતા છે. ઉમેદવાર તમારી જ્ઞાતિ જાતિનો જરૂર છે પણ તેની સામે દેશહિતને તોળવું ટૂંકી દ્રષ્ટિ છે. જે સભાનતા આપણે આપણા અંગત ભવિષ્ય માટે રાખીએ છીએ એ સભાનતા દેશના ભવિષ્ય માટે દેખાતી નથી. રાજકીય પક્ષો ટૂંકા અને સંવેદનશીલ મુદ્દાઓ દ્વારા ઉશ્કેરાટ પેદા કરવામાં સફળ થઇ જાય છે અને મતદારની મત આપવાની દીર્ઘદ્રષ્ટિને ગોબો પડી જાય છે.
દેશનું ભવિષ્ય સો ટકા નેતાઓના હાથમાં નથી. મતદારની દેશ અંગેની દીર્ઘદ્રષ્ટિમાં દેશનું ભવિષ્ય પડેલું છે. જે નેતા કે પક્ષ પાસે દેશ માટે એકાદ વર્ષનું પણ પ્લાનિંગ નથી, એમને સવાલ પૂછવાનો સમય આવી ગયો છે કે બતાવો તમારો દેશના ભવિષ્ય માટેનો રોડમેપ. આપણે એક માટલું લેવા જઈએ તો પણ દશ નંગ ફેરવીને સાત વખત ટકોરા મારીને પસંદ કરીએ છીએ, અને છેલ્લે વેચનારને પૂછીએ તો ખરા જ કે પાણી ઠંડુ થશેને બરાબર ? બસ, એ જ તકેદારી પ્રતિનિધિ પસંદગીમાં રાખવાની જરૂર છે. નહીતર આખો ઉનાળો પાણી ગરમ પીવું પડશે.
ક્વિક નોટ – “ જલ્દબાજીમાં બનાવેલી સરકાર માત્ર સ્થાપિત હિતો જ પેદા કરશે. આપણે સ્વાતંત્ર્ય માટે દોઢસો વર્ષ રાહ જોઈ છે. હવે માત્ર બીજા અઢાર માસ જ રાહ જોવાની છે. હું ફક્ત એટલી જ આશા રાખું છું કે સ્વાતંત્ર્ય આવે ત્યારે આપણામાં એ સ્વાતંત્ર્યને અનુરૂપ એકતા હોય..”. – ડા. ભીમરાવ આંબેડકર