ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને પડકારતી રાહુલ ગાંધીની અરજી ઉપર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે, જેમાં આજે રાહુલ ગાંધી તરફથી અભિષેક મનું સિંઘવી કે જેઓ સિનિયર વકીલ છે. તેમના દ્વારા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડીયા સમક્ષ વહેલી સુનાવણી માટેની માંગ કરવામાં આવી હતી. જેમાં શુક્રવાર અથવા સોમવારના રોજ સમયની માંગણી કરવામાં આવી હતી, જે બાદ ૨૧ જુલાઈ એટલે કે શુક્રવારના રોજ આ અરજી સાંભળવા સુપ્રીમ કોર્ટ દ્વારા સમય આપવામાં આવ્યો છે.
મહત્વનું છે કે વર્ષ ૨૦૧૯માં કર્ણાટકમાં જાહેર મંચ પરથી મોદી અટક પર વિવાદિત ટિપ્પણી કરવા મામલે ગુજરાતના પૂર્વ મંત્રી અને ભાજપ નેતા પૂર્ણેશ મોદી દ્વારા બદનક્ષી કેસ કરવામાં આવ્યો હતો. જે કેસની ટ્રાયલ બાદ કોર્ટે રાહુલ ગાંધીને મહત્તમ બે વર્ષની સજા ફટકારી હતી. આ સજાના આધારે રાહુલ ગાંધીએ તેમનું સંસદ સભ્ય પદ પણ ગુમાવ્યું હતું. કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ ટ્રાયલ કોર્ટના ચુકાદાને પડકારતી અરજી સુરત સેશન્સમાં દાખલ કરી હતી. પરંતુ સેશન્સ કોર્ટ દ્વારા પણ રાહુલ ગાંધીની અરજી ફગાવી દેવામાં આવી હતી.
સેશન્સ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીની અરજી ના મંજૂર કરાતા રાહુલ ગાંધીએ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, જેમાં જસ્ટીસ હેમંત પ્રચ્છકની કોર્ટ સમક્ષ તમામ પક્ષોએ દલીલો કરી હતી. પરંતુ ગુજરાત હાઈકોર્ટે પણ ટ્રાયલ કોર્ટના ચુકાદાને યોગ્ય માનીને તેના પર સ્ટે માંગતી અરજી ફગાવી દીધી હતી.
ગુજરાત હાઇકોર્ટે આપેલા ચુકાદાને રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો અને એક અરજી કરવામાં આવી હતી પરંતુ તે પહેલા જ આ કેસના મૂળ ફરિયાદી એટલે કે પૂર્ણેશ મોદી દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક કેવીએટ દાખલ કરવામાં આવી હતી કે જેમાં તેમણે માંગ કરી હતી કે રાહુલ ગાંધી ભવિષ્યમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકે છે, જે અરજીમાં તેમને સાંભળ્યા વગર કોઈપણ પ્રકારનો નિર્ણય ન લેવામાં આવે.સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સમક્ષ રાહુલ ગાંધી પક્ષ તરફથી રજૂઆત કરતા હવે શુક્રવારનો સમય આપવામાં આવ્યો છે.