આ સંસાર એટલે માનવ જીવનનું આખું આયખું, જેમાં દરેક વ્યક્તિનું જીવન આશા અને નિરાશા વચ્ચે વણાયેલું છે.બાળક જન્મે છે. અને તેનામાં સમજણ આવે છે ત્યારથી તે આશા રાખતું થઈ જાય છે.હજી બોલતા ના શીખ્યું હોય છતાં હાવ ભાવ અને ઇશારાથી તે પોતાની આશાઓ પ્રગટ કરતું હોય છે. જો તેની આશા પૂરી થાય તો ખુશીના હાવભાવથી સંતોષ વ્યક્ત કરે છે અને આશા પૂર્ણ ન થાય તો અસંતોષના હાવભાવ વ્યક્ત કરે છે. ટૂંકમાં માણસના જીવનમાં જન્મથી જ આશા અને નિરાશાનું ગણિત શરૂ થઈ જાય છે અને જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ આશાઓ વધતી જાય છે અને આજીવન માણસ આશા અને અરમાન સાથે જીવન જીવતો હોય છે.
આશા એ એવું પરિબળ છે કે જે માણસને નિરાશ પણ કરે છે અને જીવવા માટેનું બળ પણ પૂરું પાડે છે. આમ માણસ એ આશાઓથી બંધાયેલું જિદ્દી પંખી છે જે ઘાયલ પણ આશાઓથી થાય છે અને જીવિત પણ આશાઓથી જ રહે છે. આમ આશા એ માનવ જીવનનું મહત્વનું પરિબળ છે. આ જગતમાં તમામ વ્યક્તિ પોતાના જીવનમાં ડગલે ને પગલે કૈક ને કૈક આશા સાથે આગળ વધે છે. આશાઓ પરિપૂર્ણ કરવા કર્મ કરે છે. આ કર્મ વિવિધ શારીરિક માનસિક ક્રિયા -પ્રતિક્રિયા સ્વરૂપે હોય છે.આમ વ્યક્તિ પોતાની આશા પૂરી કરવા કે અરમાનો સિદ્ધ કરવા માટે કર્મ કરતા કરતા જીવનમાં સક્રિય રહે છે.અને પછી જો ઇચ્છિત ફ્‌લ પ્રાપ્ત થાય તો આશા પૂરી થવાની ખુશી સાથે સંતોષ મેળવે છે અને ફરી બીજી આશા જાગે છે.અને એ પુર્ણ કરવા ફરી પ્રયત્નશીલ બની જાય છે.જો આશા પૂરી ન થાય તો વ્યક્તિ નિરાશ થઈ જાય છે.મનથી ઘાયલ પણ થાય છે. ત્યારે કોઈને કોઈ સ્વરૂપે તેને આશ્વાસન કે દિલાસો મળે છે. આ આશ્વાસન પણ એક પ્રકારની આશા જ હોય છે.જે ફરી વ્યક્તિને જીવવા માટેનું ચાલક બળ પૂરું પાડે છે. કોઈ જેની આશાએ જીવતું હોય એ આધાર છીનવાઈ જાય ત્યારે વ્યક્તિ નિરાશ થઈ જાય છે.જીવનમાં રસ કસ ગુમાવી બેસે છે.પરંતુ કુદરતે આ સંસાર ચક્રમાં મોહ માયા સ્વરૂપે આશાઓ અને અરમાનોની ગોઠવણી જ એવી કરેલી છે કે ધીમે ધીમે દુઃખ ભુલાતું જાય છે અને નવી આશા નવા જીવન માટે પ્રેરણા બને છે.આમ આશા અને નિરાશાનું ચક્ર ફર્યા જ કરે છે.જેને આપણે સુખ દુઃખ તરીકે ઓળખીયે છીએ એ તમામ બાબતો આશા અને નિરાશા સાથે સંકળાયેલ હોય છે.જો આશા જેવું તત્વના હોત તો માણસને જીવનમાં કોઈ જાતનો રસ કસ જ ના રહેત. એટલે કે વ્યક્તિની મનની ઈચ્છાઓને આપણે આશાઓ કહીએ છીએ એજ ઈચ્છાઓ વ્યક્તિના જીવનનું ચાલક બળ હોય છે.આવી અધૂરી રહેલી ઈચ્છાઓને આપણે નિરાશા કહીએ છીએ. પ્રત્યેક નિરાશા પછી એક નવી આશા જન્મ લે છે જે વ્યક્તિને જીવિત રાખે છે.જ્યારે આસપાસમા કોઈ આશા દેખાતી નથી ત્યારે આખરે દૂર દૂર નહિ પણ આપણી અંદર બિરાજમાન પરમતત્વ એટલે પરમાત્મા પરની આખરી આશા માણસને જીવિત રાખે છે. આમ આશા અમર છે ત્યાં સુધી માણસ જીવિત છે. જેમ મધદરિયે ડૂબતાં માણસને કિનારાની આશા જીવાડે છે તેમ ભવસાગરમાં ડૂબતા માણસને મોક્ષની આશા સારા ધાર્મિક કાર્યો સાથે જીવાડે છે.