નાનકડા ગામમાં સૌથી સુંવાળુ કુટુંબ હોય તો તે કરશન રાધાનું કુટુંબ. હર્યાભર્યા કુટુંબમાં જીવીનો જન્મ થયો. સંયુક્ત કુટુંબમાં ઉછરેલી જીવીમાં સંસ્કારો અને લગાવનો ખજાનો હતો. સમય જતાં જીવીના લગ્ન ઓઘડ સાથે થયા.
એક દિવસ જીવી બજારમાં વસ્તુ ખરીદવા ગઈ. ત્યાં તેણે એક ટોળું જોયું. નજીક જતાં જોયું તો એક માજી ફાટેલ કપડાં પહેરેલાં, માથાની લટો ચોંટી ગયેલી અને એ માજી “હું માળિયાની રાણી છું. મારા માટે સોડા હાજર કરો. ” એવું બોલ્યાં કરે.
“એ મનીયા! સોડાની બાટલી લાવ.” મનીયો તેને સોડા આપે. આ જોઈ ટોળું હસે. આ દ્રશ્ય જોઈ જીવીનું હૃદય ભરાઈ ગયું. ” આ તો રોજનો તમાશો છે ” બોલી ટોળું વિખરાયું. કંઇક વિચારી જીવી એ દુકાનદાર પાસે ગઈ. “ભાઈ..! તમે આ માજીને ઓળખો છો? એમની આવી દશા કેમ? કેમ એનું કોઈ નથી?” “આ માજીનો તો હર્યોભર્યો પરિવાર હતો. ખુબ ધનાઢ્ય , બે દીકરા. એક દિવસ પૂરમાં પિતા અને પુત્રોને ગુમાવ્યા. કુટુંબમાં કોઈ નહિ, મોટું મકાન, બેંકમાં બેલેન્સ. પણ આ આઘાતમાં માજી એકલા રહે. એટલે પાડોશીઓએ મકાન ભાડે આપી દીધું. ભાડુઆત પણ સારા અને ઈમાનદાર. એટલે માજીને સાચવે અને ભાડું બેંકમાં તેમના ખાતામાં નાખે. ધીમે ધીમે તેમની માનસિક સ્થિતિ વધું બગડી અને તે રસ્તા પર ભટકવા લાગ્યા અને કોઈ આપે તો ખાઈ લે. પણ સોડાનો જબરો શોખ. દરરોજ સોડા પીવા આવે ,પી ને જતા રહે. આપણે બીજું તો શું કરી શકીએ? ગમે ત્યાં સૂઈ રહે એટલે અમે બધા દુકાનદારો તેમનું ધ્યાન રાખીએ. આજનો જમાનો કેવો ખરાબ છે! હવે તો ઈશ્વર ચમત્કાર કરે તો આ માજીને નવજીવન મળે.” આમ કહી દુકાનદાર પોતાના કામે વળગ્યો. જીવી માજી સામે જોઈ કંઇક નક્કી કરી ઘરે પાછી ફરી. રાત્રે ઓઘડ ઘરે આવ્યો ત્યારે જીવી ઊંડા વિચારમાં હતી. ઓઘડે પૂછ્યું; “શું થયું જીવી?” જીવી વિચારમાંથી બહાર આવી અને તેણે આખી ઘટના ઓઘડને કહી. ઓઘડનું મન બેચેન બની ગયું . “જીવી, ચાલ! આપણે માજીને લઈ આવીએ. આપણે માજીને સાચવશું.” “ઓઘડ! એ માજીના પગ ચાલતા નથી, એક જગ્યાએથી બીજી જગ્યાએ ઢસડાતા જાય છે. એમને લાવીને પછી સમય આપવો પડશે.આપણે બંને પંચાયતનું કામ કે કંઈક સમાજ સેવાનું કામમાં હોઈએ તો માજીનું ધ્યાન કોણ રાખશે??”” એ બધું જોયું જાય છે. પેલા માજીને અહીં લઈ આવીએ. “ઓઘડ અને જીવી બન્ને સમંત થયાં. બીજા દિવસે જીવી અને ઓઘડ ગાડી લઈને ત્યાં પહોંચી ગયા. જે જે દુકાનદારો તેમનું ધ્યાન રાખતા હતા તેમને મળી પોતાની ઈચ્છા જણાવી. બધા માજી વિશે જાણી રાજી થઈ ગયા અને પોતાનાથી જે મદદ જોઈએ તે આપવાની ખાત્રી આપી. પછી પોલીસને મળી જાણ કરી. માજી માટે પોલીસ પણ સમંત થઈ. ઓઘડે માજી પાસે આવીને કહ્યું “મા મારી સાથે આવશો?” માજી તેની સામે ટગર ટગર જોઈ રહ્યા. પછી કહે; “સવા! તું આવી ગયો? બધા કહેતા હતા કે તું મરી ગયો છે. પણ મને વિશ્વાસ હતો કે સવો મને છોડીને ક્યાંય ના જાય!!! હાચુ ને? “ઓઘડ ભાવવિભોર બની ગયો. ના, મા! હું ક્યાંય નહિ જાઉં. તમારી સાથે જ રહીશ મા! આ તમારી વહુ. હવે ચાલો! આપણા ઘરે.
“હું નહિ આવું! મને ઘરમાં મૂકી તમે બંને જતા રહેશો.”” ના અમે નહીં જઈએ બસ!!”
“તો ભલે. પણ મારે સોડા પીવી છે. તો ત્યાં સોડા મળશે? “”બા! દરરોજ તમને સોડા આપીશું. ” “એ મનિયા!, એ હસાભાઇ! મારો દીકરો આવ્યો, જોયું ને! હું તો એની હારે જ જઈશ. પણ..મારા ગયા પછી તમને મારા વગર ગમશે? અને જૂઓ મને નહિ ગમે તો હું પાછી આવી જઈશ.” માજીની કાલીઘેલી ભાષા સાંભળીને બધાની આંખો અશ્રુથી છલકાઈ ગઈ. જીવી અને ઓઘડ માજીને ઘરે લઈ આવ્યા. સવાર પડી એટલે જીવી અને ઓઘડ કામે જવા તૈયાર થવા લાગ્યા. માજીએ પૂછ્યું; “તું ક્યાં જાય છે, બેટા?”
“મા કામ કરવા તો જવું પડશે ને. અમે સાંજે આવી જઈશું.” ” નહિ, નહિ. વહુ! તું મને મૂકીને ના જતી.” “બા, જવું તો પડે ને? “”તો પછી.., તું મને હતી ત્યાં મૂકી જા. મારે અહીં નથી રેવું.” જીવીએ આ સાંભળ્યુ અને ઓઘડને કહ્યું; “તમે જાવ. હું મા સાથે જ રહીશ.”
“પણ આજથી તારી નવી નોકરી લાગવાની હતી એનું શું?? “ઓઘડે ચિંતા વ્યક્ત કરી.
“મા પાસે બધું જ નિમ્ન છે. હું નોકરી છોડી દઈશ.
મા પાસે રહીને એમની સેવા કરીશ. એમને દવાખાને લઈ જઈને સારામાં સારી સારવાર કરાવીશ.”
સમય સમયનું કામ કરતો ગયો. માજીને સારી રિકવરી આવતી ગઈ. આ દરમિયાન જીવીને માજી વિશે ઘણું બધું જાણવા મળ્યું હતું.
એક દિવસ જીવીએ કહ્યું .”બા, તમારું નામ ગંગાબેન છે?”
“તું બહુ હોશિયાર હોં!!! મારું નામ પણ જાણી લીધું.”
“ગંગામા! તમને યાદ છે? તમારું બેંકમાં ખાતું છે?”
“હા, મને ખબર છે. હસમુખભાઈની બેંકમાં ખાતું છે. તેમાં સાત લાખ પડેલા છે. માજીએ મરકતા મને વાત કરી.”
“મા એ પૈસા તમે ક્યાંથી કાઢ્યા ?”
જીવીને અચરજ થયું.
“મને બધા પૈસા આપતા.
આભાર – નિહારીકા રવિયા દરરોજ સાંજે હસમુખભાઈ પૈસા લઈ જતા અને બેંકમાં મૂકી દેતાં. પણ સાત લાખ નહિ પાંચ લાખ હશે. ઓલ્યો હિતલો હતો ને .એનો ગગો માંદો પડ્યો તે ઓપરેશનના બે લાખ લઈ ગયો હતો. હજી પાછા નથી આપ્યા. હવે માળિયા જશું ત્યારે તેની પાસેથી લઇ લેવાના.”
“તો આપણે કાલે બેંકમાં જશું?”
“ત્યાં તો સવો આવશે ને?”
“એનું નામ સવો નહિ, ઓઘડ છે.”જીવીએ ચોખવટ કરી.
“એ તારો ઓઘડ હશે, પણ મારો તો એ સવો જ છે.”
બીજા દિવસે બંને ગંગામાને ગાડીમાં બેસાડી નીકળ્યા.ગંગામા રાજી રાજી થઈ ગયા અને રટણ કરવા લાગ્યા. ઓઘડ અને જીવી હસી પડ્યાં. સૌથી પહેલા સોડાની દુકાનની મુલાકાત કરી. સોડા પીધી. ખબર-અંતર પુછ્યાં.
હવે બેંકમાં જઈને હસમુખભાઈને મળવાની તાલાવેલી હતી.
હસમુખભાઈએ અત થી ઈતી બધી જ વાત જાણી અને એમનાથી બોલ્યાં વગર ના રહેવાયું “તમે બન્ને ધન્ય છો. કોઈ આવું કાર્ય ના કરી શકે. છપ્પનની છાતી વાળા જ આ મહાન કાર્ય કરી શકે. એક રખડતી ભટકતી બાઈને તમે નવું જીવન આપ્યું છે. વાહ ! ઓઘડભાઈ, વાહ! જીવીબેન. તમે નોકરી જતી કરીને પણ સવાયું કામ કર્યું છે.”
” ગંગામા, હવે તમારા ખાતામાં કોઈનું નામ વારસદાર તરીકે લખાવી દો.”
મારા માટે નોકરી છોડી, અને મને નવું જીવન આપ્યું એ જીવીનું નામ લખો.” બેંક આખી તાળિયોના ગડગડાટથી ગુંજી ઊઠી.
મૂળ વાર્તા::-સંગીતા ઓઝા, ભાવનગર.
રિરાઈટ:- કાળુભાઈ ભાડ, અમરેલી.