છત્તીસગઢનાં રાજનંદગાવમાં ૨૨ થી ૨૪ ઓગસ્ટ, ૨૦૨૪ દરમિયાન સનાતન ધર્મ અને વિજ્ઞાનને જોડીને એક અનોખું જ્ઞાનસત્ર યોજાયું હતું. શ્રીકચ્છ કડવા પાટીદાર સમાજ અને શાંતિભાઈ ભાવાણી પરિવારના સહયોગથી યોજાયેલ આ ત્રિદિનાત્મક સત્રમાં એસજીવીપી ગુરુકુલ-અમદાવાદના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીએ સનાતન ધર્મની વ્યાપકતા અને સમન્વયવાદી વિચારધારા વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. સ્વામીજીએ પોતાના પ્રવચનમાં એક મહત્વપૂર્ણ વાત કહી હતી કે, “આજનું આધુનિક વિજ્ઞાન જ્યાં વિરામ પામે છે, ત્યાંથી સનાતન ધર્મના વિજ્ઞાનની શરૂઆત થાય છે.”
સ્વામીજીએ ઉદાહરણો આપીને સમજાવ્યું કે, સનાતન ધર્મ માત્ર એક ધર્મ નથી પરંતુ એક સંપૂર્ણ જીવન પદ્ધતિ છે. જેમાં વિજ્ઞાન, દર્શન અને આધ્યાત્મિકતાનો સુંદર સમન્વય જોવા મળે છે. આ જ્ઞાનસત્રમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (ઇજીજી), વિશ્વ હિન્દુ પરિષદ અને શ્રીકચ્છ કડવા પાટીદાર સમાજના આગેવાનો ઉપરાંત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.