સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીના બનાવોમાં સતત વધારો જાવા મળી રહ્યો છે. ખાસ કરીને હત્યાના વધતા બનાવો શહેરમાં કાયદો-વ્યવસ્થા પર ગંભીર સવાલ ઉભા કરી રહ્યા છે. સુરત શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત છે, છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાં હત્યાના ત્રણ બનાવ સામે આવ્યા છે. પહેલા રાંદેર અને લિંબાયત અને હવે પુણા વિસ્તારમાં બનેલી ઘટનાઓ શહેરમાં ગુનાખોરીની ચરમસીમા દર્શાવી રહી છે.ગત રોજ રાંદેર વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા થઈ અને ત્યારબાદ લીંબાયત વિસ્તારમાં ધોળા દિવસે એક બુટલેગરની હત્યા કરવામાં આવી. આ બંને બનાવો પછી પુણા વિસ્તારમાં વધુ એક હત્યાના બનાવે શહેરને હચમચાવી નાખ્યું છે. પુણા વિસ્તારમાં રૂપિયાની લેતીદેતીને લઈને થયેલા વિવાદમાં એક યુવકની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. માથા પર ટાઇલ્સ મારીને કરવામાં આવેલી આ હત્યાએ ચકચાર મચાવી દીધી છે.માહિતી મુજબ, વિકી નામના યુવકે બિહારના લાલુ યાદવ નામના યુવકની હત્યા કરી છે. રૂપિયાની લેતીદેતીના મામલે વિકીએ લાલુ યાદવને માથામાં ટાઇલ્સથી હુમલો કરીને હત્યા કરી દીધી. આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ અને ૨૪ કલાકમાં ત્રણ હત્યાઓથી પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. અગાઉ શહેરમાં લિંબાયતમાં સંજયનગર વિસ્તારમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને સુદામ પાટીલ નામના યુવકની કરપીણ હત્યા કરી દેવામાં આવી. આ મામલે પોલીસે આરોપીઓને શોધવા તપાસ શરૂ કરી. તો રાંદેર વિસ્તારમાં પણ હત્યાનો મામલો સામે આવ્યો.મિત્રની પત્નીએ ભાઈઓ સાથે મળીને પતિના મિત્ર અજયની હત્યા કરી દીધી. ઘરેલુ કંકાસમાં પતિ-પત્ની વચ્ચે ઝગડો થયો હતો. પત્નીને મનાવવા પતિ મિત્ર અજય સાથે પિયર ગયો હતો. ત્યારે રાંદેર શારદાનગરમાં પતિના મિત્રની હત્યા કરવામાં આવી, તો પતિને પણ ચપ્પુના ઘા ઝીંકવામાં આવ્યા. આ મામલે પણ પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ત્યારે શહેરમાં દિવસેને દિવસે વધતા હત્યાના બનાવો કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર મોટા સવાલ ઊભા કરી રહ્યા છે. રાંદેર, લિંબાયત અને પુણા વિસ્તારમાં હત્યાની ઘટનાઓથી પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.










































