ટિકટોક સ્ટાર અને માથાભારે ગણાતી કિર્તી પટેલ ફરીથી વિવાદમાં આવી છે. શહેરમાં ચર્ચાસ્પદ બનેલી બે કરોડ રૂપિયાની ખંડણી મામલે છેલ્લા એક વર્ષથી નાસતી ફરતી આરોપી મહિલા કિર્તીબેન રણછોડભાઈ પટેલને કાપોદ્રા અને વરાછા પોલીસ તેમજ ઝોન-૧ના સ્ટાફ દ્વારા અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવી છે. આ કિર્તી પટેલને જ્યારે પોલીસે પકડી ત્યારે તેના મોં પર જરાપણ દુખ કે શરમ દેખાતી નથી. તે ઝડપાઈને પણ નફટની જેમ હસતી જ દેખાઇ રહી છે.
આ કેસમાં મુખ્ય આરોપીઓ વિજયભાઈ મનજીભાઈ સવાણી, જહાગીરખાન ઉર્ફે જાકીર પઠાણ તેમજ કિર્તી પટેલે મળીને ફરીયાદી પાસેથી જબરજસ્તી પૈસા કઢાવા માટે ષડયંત્ર રચી ઇન્સ્ટાગ્રામ લાઈવ અને વીડિયો દ્વારા પરિવારની બદનામી તથા ધમકીભર્યા સંદેશો આપ્યા હતા. આરોપીઓએ સિલ્વર ફાર્મ, કોસમાડી પાટિયા ખાતે બોલાવી, મજબૂરીમાં સમાધાન કરવા દબાણ કર્યું અને ફોટો-વીડિયો બનાવીને તેને વાયરલ કરવાની ધમકી આપી ખંડણીની માંગણી કરી હતી.
આ ગુનાની ગંભીરતા ઓળખી સુરત શહેરના પોલીસ કમિશનર તથા ઉચ્ચ અધિકારીઓ દ્વારા આરોપીઓને ઝડપવા તાત્કાલિક સુચનાઓ આપી, જેમાં ઈન્ચાર્જ પો.ઈ. એમ.આર.સોલંકી દ્વારા વિજય સવાણી અને જહાગીર પઠાણને અગાઉ જ પકડી લેવાયા બાદ, વધુ તપાસમાં નાસતી ફરતી કિર્તી પટેલનો અમદાવાદ સરખેજ વિસ્તારથી પકડવાનો પ્લાન બનાવાયો હતો.
કિર્તીબેન રણછોડભાઈ અડાલજા (ઉ.વ. ૩૪), લેઉવા પટેલ, રહે. કુશલદર્શન એપાર્ટમેન્ટ, પરવત પાટિયા, સુરતની છે. તેનું મૂળ ગામ વાઘેલા, તાલુકો વઢવાણ, જીલ્લો સુરેન્દ્રનગર છે.આ મહિલા સામે કુલ ૯ ગુનાઓ નોંધાયા છે. જેમાં સુરત, અમદાવાદ, પાટણ, જુનાગઢ સહિતના પો.સ્ટે પર ધમકી, હેરાસમેન્ટ, ખંડણી અને જાતીય આરોપોની કલમો હેઠળ ગુનાઓ નોંધાયેલા છે.
ઈન્ચાર્જ પો.ઈ. સોલંકી તથા પો.સ.ઈ. એન.એ. પટેલ, અ.હે.કો. કરણસિંહ, વુ.હે.કો. મનિષાબેન, અ.પો.કો. રઘુભાઈ, વિપુલસિંહ, ધર્મિષ્ઠાબેન વગેરેની ટીમે ટેકનીકલ અને હ્યુમન સોર્સ આધારિત તપાસ કરી આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.