કેરળ હાઇકોર્ટે એક ચૂકાદામાં કહ્યું છે કે માત્ર દારૂની ગંધ આવવાથી એ મતલબ કાઢી ન શકાય કે તે વ્યક્તિ નશામાં છે. આ ટિપ્પણીની સાથે હાઇકોર્ટે એક સરકારી કર્મચારી સામેના કેસને ફગાવી દીધો છે. ન્યાયાધીશ સોફી થોમસે ૩૮ વર્ષીય સલીમ કુમાર સામે દાખલ FIR રદ્દ કરતા કહ્યું કે, અંગત સ્થાન પર કોઇને પણ પરેશાન કર્યા વિના દારૂ પીવો ગુનો નથી.
૧૦ નવેમ્બરના રોજ બહાર પાડેલા પોતાના આદેશમાં હાઇકોર્ટે કહ્યું કે, કોઈપ ઉપદ્રવ કર્યા વિના કે કોઇને પણ પરેશાન કર્યા વિના અંગત સ્થાને દારૂ પીવો કોઇ ગુના હેઠળ આવતું નથી. માત્ર દારૂની ગંધને આધારે એ નક્કી કરી શકાય નહીં કે કોઇ વ્યક્તિએ તેનું સેવન કર્યું કે પછી તે નશામાં છે. ગ્રામ સહાયક સલીમ કુમાર સામે પોલીસે આ FIR વર્ષ ૨૦૧૩માં દાખલ કરી હતી.
કેરળ પોલીસે સલીમ કુમાર સામે ધારા ૧૧૮(એ) હેઠળ કેસ દાખલ કર્યો હતો. પોલીસનું કહેવું હતું કે જ્યારે તેને એક આરોપીની ઓળખ માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો તો તે સમયે સલીમ દારૂના નશામાં હતો. આની સામે સલીમ કુમારે કોર્ટમાં કહ્યું કે તેને પોલીસે સાંજે સાત વાગ્યે એક આરોપીને ઓળખવા માટે બોલાવ્યો હતો.
કુમારે પોતાની અરજીમાં કહ્યું હતું કે આરોપી મારા માટે અજાણ હતો માટે હું તેની ઓળખ કરી શક્યો નહોતો અને માત્ર આ આધારે પોલીસે મારી સામે કેસ દાખલ કરી દીધો હતો. કેરળ પોલીસની ધારા ૧૧૮(એ) સાર્વજનિક આદેશ કે ખતરાનું ગંભીર ઉલ્લંઘન કરવા માટે દંડથી સંબંધિત છે. કોર્ટે કહ્યું કે કુમાર પોલીસ સ્ટેશન એટલા માટે પહોંચ્યા હતા કારણ કે પોલીસે તેમને બોલાવ્યા હતા.
કોર્ટે કહ્યું કે કેરળ પોલીસની આ ધારા હેઠળ કોઇને પણ ત્યારે જ દંડ આપી શકાય છે જ્યારે તે વ્યક્તિ નશામાં કોઇ જાહેર સ્થળ પર ઉપદ્રવ કરતો જાવા મળે કે પોતાને સંભાળવામાં અસક્ષમ હોય. કોર્ટે કહ્યું કે ઉપલબ્ધ રેકોર્ડ એ જણાવતા નથી કે અરજીકર્તાને મેડિકલ તપાસ માટે મોકલમાં આવ્યો હતો કે પછી તેનું બ્લડ સેમ્પલિંગ કરવામાં આવ્યું હતું.