અરવિંદ ત્રિવેદી ચંદ્રશેખર અને ચંદ્રકાન્ત પંડ્યા એ તો ૨૦૨૧ના વર્ષમાં ફાની દુનિયા છોડી દીધી

અત્યારે ભગવાન રામ અને તેમનું નામ દરેક રીતે કલ્યાણકારી બને છે.આ મર્યાદા પુરૂષોત્તમના નામે બનેલી રામરાજ્ય નામની હિન્દી ફિલ્મે ભૂતકાળમાં ધૂમ મચાવી હતી. આવી જ રીતે ૧૯૮૭માં જાણીતા ફિલ્મ નિર્માતા રામાનંદ સાગરે બનાવેલી ટી વી શ્રેણી તે જમાનામાં અત્યંત લોકપ્રિય બની હતી. હિન્દી અને ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકારોને લઈને બનાવાયેલી આ  ટી વી શ્રેણી જ્યાં સુધી ચાલી ત્યાં સુધી લોકો સવારે નવ વાગ્યે પોતાના ઘરમાં પોતાના ટી વી સામે ગોઠવાઈ જતા હતા.તે વખતે તો માત્ર દૂરદર્શન જ હતું.આ ટીવી શ્રેણી રામાનંદ સાગરે ભગવાન રામના ગુણગાન ગાતા જેટલા ગ્રંથો વિવિધ ભાષાઓમાં છે તેનો અભ્યાસ કરી ને વિવિધ પ્રસંગોને સંપૂર્ણ ધાર્મિક અને સામાજિક તેમજ સાંસ્કૃતિક ભાવના અને ધ્યેય સાથે પ્રસ્તુત કર્યા હતા.
    ૨૦૨૦ના સમયગાળામાં દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો. અન્ય દેશોની જેમ ભારતમાં પણ ૨૫મી માર્ચ ૨૦૨૦ થી અઢી માસ માટે લોકડાઉન લાગ્યો ત્યારે  દૂરદર્શન પર આ લોકપ્રિય ટી વી શ્રેણી ફરી એકવાર રજૂ થઈ.સવારે અને રાત્રે પ્રાઈમ ટાઈમમાં દર્શાવતી આ શ્રેણીએ અનેક વિક્રમો સર્જી દીધા. રામાયણ અને ઉત્તર રામાયણ એમ બે ભાગમાં રજૂ થયેલી આ ટીવી શ્રેણી ત્યાર બાદ સ્ટાર પ્લસ અને સ્ટાર ભારત પર પણ દોઢ વર્ષના સમયગાળામાં લગભગ નવ વખત રજૂ થઈ.આ દરેક એપિસોડમાં જે જાહેરાતોની સેકન્ડો છે તેના પરથી લાગે કે આ શ્રેણીએ લોકપ્રિયતાના તમામ વિક્રમો તોડી નાખ્યા છે.આ શ્રેણી વારંવાર જોવા છતાં ન થાકનારા દર્શકોની સંખ્યા લાખોમાં ગણી શકાય તેમ છે.
રામાયણ ટીવી શ્રેણીના નિર્માતા દિગ્દર્શક રામાનંદ સાગર એક કસાયેલા ફિલ્મ નિર્માતા હતા.૧૯૧૫માં જન્મેલા ફિલ્મો અને ટી વી શ્રેણીના સર્જકનું ૮૭ વર્ષની ઉંમરે અવસાન થયું હતું.આ શ્રેણી રામાયણમાં દરેક મહત્વના પ્રસંગો વખતે પોતે દર્શકો સમક્ષ ઉપસ્થિત થઈ કથાવસ્તુ સમજાવતા હતા અને સંદર્ભ પણ આપતા હતા.રામાનંદ સાગરે ઉતારેલી બીજી શ્રેણી શ્રી કૃષ્ણ પણ લોકપ્રિય બની હતી.રામાનંદ સાગરે પોતાના જમાનામાં આંખે,ગીત,લલકાર આરઝૂ સહિતની લોકપ્રિય ફિલ્મો બનાવી હતી.જો કે રામાયણ ટીવી શ્રેણી લોકપ્રિયતાના શિરમોર સમી બની રહી છે તે વાત નોંધ્યા વગર ચાલે તેમ નથી.
આ લોકપ્રિય ટીવી શ્રેણીના એક મહત્વના કલાકાર ચંદ્રકાંત પંડ્યાનું બે માસ પહેલા અવસાન થયું .ગુજરાતી રંગભૂમિ ઉપરાંત ઘણી ગુજરાતી અને કેટલીક હિન્દી ફિલ્મોમાં ચમકેલા આ કલાકારે રામાયણમાં નિષાધ રાજની ભૂમિકા ભજવી હતી.નિશાધરાજ પોતાના નાનકડા રાજ્યના રાજા અને ભગવાન રામના પરમ મિત્ર હતા.
રામાયણ શ્રેણીમાં અથવા તો રામ કથામાં જેની ગણના દશરથજી પછીના વડીલ પાત્ર તરીકે થાય છે તે માતા જાનકી એટલે કે સીતાજીના પિતાશ્રી મહારાજા અને ધર્મ પુરુષ તરીકે ખ્યાતિ મેળવનાર મહારાજા જનકનું પાત્ર આ શ્રેણીમાં ગુજરાતી રંગભૂમિ અને ચલચિત્રોમાં મહત્વની ભૂમિકા ભજવનાર જાજરમાન કલાકાર મૂળરાજ રાજડાએ ૮૦ વર્ષની ઉંમરે આ દુનિયામાંથી વિદાય લીધી છે.તેમના પુત્ર સમીર રાજડા રામાયણ શ્રેણીમાં નાનાભાઈ શત્રુઘ્નની ભૂમિકા ભજવી છે.તેઓ હાલ અન્ય ભૂમિકાઓમાં વ્યસ્ત છે.
        રામાયણ શ્રેણીમાં મહારાજા જનકની પત્ની સુનયના તરીકેની ભૂમિકા ભજવનાર કલાકાર છે અનેક ગુજરાતી ફિલ્મો અને નાટકોમાં કામ કરનાર અને નામના મેળવનાર ઉર્મિલા ભટ્ટ. જેમનું થોડા સમય પહેલા કરૂણ મૃત્યુ થયું હતું.અને તેની સાથે રામાયણના વધુ એક પાત્રની ચીરવિદાય થઈ ગઈ છે.
રામાયણના બે વડીલ પાત્રો હતા રામના માતા કૌશલ્યા અને લક્ષ્મણ અને શત્રુઘ્નના માતા સુમિત્રા પણ રામાયણમાં ઘણું મહત્વ ધરાવે છે.કૌશલ્યા માતાના પાત્રમાં હિન્દી ફિલ્મોમાં અને તેમાંય ખાસ કરીને ધાર્મિક ફિલ્મોમાં  ચોટદાર અભિનય આપનાર જયશ્રી ગડકર હતી.આ અભિનેત્રીનું ૨૦૦૮ બાદ અવસાન થયું હતું.જ્યારે સુમિત્રાના પાત્રમાં હિન્દી ફિલ્મોમાં ડાન્સર તરીકે ચમકનાર રજનીબાળા હતી તેનું પણ દસેક વર્ષ પહેલાં અવસાન થયું છે
                  રામાયણનું એક મહત્વનું પાત્ર મહારાણી કૈકેયીની દાસી તરીકેની ભૂમિકા ૨૦૦ કરતા વધું હિંદી ફિલ્મોમાં સાસુ, માતા કે ખલનાયિકા સહિતની અનેક સ્ત્રી પાત્રો અસરકારક રીતે ભજવનાર લલિતા પવાર પણ એક શક્તિશાળી ભૂમિકા ભજવનાર કલાકાર હતી.કૈકેયીની દાસી મંથરા રામના વનવાસનું મુખ્ય કારણ હતી.આ ખલનાયિકા જેવો અભિનય લલિતા પવારે અસરકારક રીતે કર્યો હતો.આ જાજરમાન અભિનેત્રીનું પણ થોડા સમય પહેલા કમનસીબી યુક્ત મૃત્યુ થયું છે.
રામાયણના મહત્વના પાત્રો પૈકી બે પાત્રો ભજવનાર કલાકારોએ ૨૦૨૧ના વર્ષમાં જ ચીરવિદાય લીધી છે.આમાંના એક કલાકાર છે રાવણનું પાત્ર ભજવનાર અને લંકેશ તરીકે ઓળખાતા હતા તે ગુજરાતી ફિલ્મોના ઝાઝરમાન અને મેઘાવી કલાકાર અરવિંદ ત્રિવેદીએ પણ ઓક્ટોબર માસમાં ચીરવિદાય લીધી છે.અરવિંદ ત્રિવેદીએ નાયક ખલનાયક બહારવટિયા તેમ જ ભગતની ભૂમિકા ભજવી છે.પણ રામના ભક્ત એવા અરવિંદ ત્રિવેદીએ રાવણની ભૂમિકા ભજવીને વધુ પ્રખ્યાત થયા હતા.આ તેમની અભિનય શક્તિનો પુરાવો હતો.
       જ્યારે  ઓક્ટોબર માસમાં ચીરવિદાય લેનાર બીજા કલાકાર હતા ચંદ્રશેખર જેમણે દશરથ અને રામ બન્નેના શાસનકાળમાં રાજયના મહામંત્રી સુમંત તરીકેની પોતાની ભૂમિકા યાદગાર રીતે નિભાવી હતી. હવે આ કલાકાર પણ આપણી વચ્ચે નથી.
રામાનંદ સાગરની શ્રેણી રામાયણમાં ભરતના પાત્રમાં ચમકનાર કલાકાર હતા સંજય જોગ.કથામાં ત્યાગ અને ધર્મપુરુષ તરીકે જેને વર્ણવવામાં આવ્યા છે તે ભરતનું પાત્ર અતિ મહત્વનું હતું.કૈકેયી સાથેના ભરતના સંવાદો યાદગાર બની ગયા હતા.સંજય જોગ હિન્દી ફિલ્મોમાં ચમક્યા હતા .રામાયણમાં તેમને ભરતનું પાત્ર મળ્યું.ત્યારબાદ તેમની ડિમાન્ડ વધી હતી.પણ કમનસીબે ૧૯૯૫માં તેમનું નિધન થયું હતું.અને રામાયણના વિદાય લેનાર  પાત્રોની  યાદીમાં તેમનું નામ ઉમેરાઈ ગયું હતું.
              રામાયણમાં કુંભકર્ણનું પાત્ર ભજવનાર નલિન દવે ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકાર હતા.તેમણે ભાદર તારા વહેતા પાણી સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું.તેમનું ૫૦ વર્ષની નાની વયમાં મૃત્યુ નીપજ્યું હતું.
રામાયણમાં ત્રણ પાત્રો રામના મિત્ર કે ભક્ત હોય છે.જેમાં પવનપુત્ર હનુમાન ભગવાન રામના વનવાસ દરમિયાન ચિત્રમાં આવે છે.જય શ્રી રામના નારા સાથે ગમેતેવા અશક્ય કાર્યને શક્ય બનાવતા હનુમાનજીના પાત્રમાં ચમકેલા અને છવાઈ ગયેલા દારાસિંગ આમ તો પહેલવાન હતા .હિન્દી ફિલ્મોમાં ચમક્યા બાદ તેમણે આ શ્રેણીમાં કામ કર્યું હતું.તેઓ પણ હાલ હયાત નથી.
         ફિલ્મોમાં તો ડબલ રોલ ઘણા કલાકારો એ ભજવ્યો છે. પણ ટીવીશ્રેણી રામાયણમાં બે ભાઈઓ વાલી અને સુગ્રીવની ભૂમિકા શ્યામસુંદર કલાની નામના કલાકારે ભજવી હતી.આ કલાકાર છેલાબાબુ સહિતની અનેક હિન્દી ફિલ્મોમાં ચમક્યા છે.તેઓ પણ હાલ હયાત નથી.
     રાક્ષસ કૂળના હોવા છતાં પ્રભુભક્તિમાં અને સત્યની સાથે રહેવાની ટેકવાળા વિભીષણ આમ તો રાવણના નાના ભાઈ હતા.આ ભૂમિકા ભજવનાર કલાકારનું નામ છે મુકેશ રાવલ.આ કલાકાર પણ નિવડેલા કલાકાર હતા.તેમનું પણ થોડા સમય પહેલા અવસાન થયું છે.
              રાક્ષસરાજ રાવણનો પડછાયો બની રહેનાર રાવણ પુત્ર મેઘનાદ -ઇન્દ્ર જીત પણ મહત્વનું પાત્ર છે.આ ભૂમિકામાં ચમકનાર યાદોકી બારાત સહિત અસંખ્ય હિન્દી ફિલ્મોમાં  યાદગાર ભૂમિકા ભજવનાર કલાકાર વિજય અરોરા હતા.તેઓ પણ થોડા  સમય પહેલા આ દુનિયા છોડી ગયા છે.
આમ સીરીયલ બની  ત્યારથી અત્યાર સુધીમાં એટલે કે ૨૦૨૧ના નવેમ્બર સુધીમાં આ લોકપ્રિય શ્રેણીમાં અભિનયના અજવાળા પાથરનાર પૈકી ૧૫ કલાકારો ભગવાનના ધામમાં પહોંચી ગયા છે એટલે કે ઇતિહાસ બની ગયા છે.અગાઉ જણાવી ગયા તે પ્રમાણે અરવિંદ ત્રિવેદી,ચંદ્રશેખર અને ચંદ્રકાન્ત પંડ્યાનો સ્વર્ગવાસ ૨૦૨૧ના વર્ષમાંજ થયો છે. આ વિદાય લેનાર કલાકારો પોતાના અભિનયના કારણે લોકો એટલે કે ટી વી દર્શકોના  દિલમાં પોતાનું આગવું સ્થાન છોડી ગયાં છે.કરોડો લોકોની આસ્થાના પ્રતીક સમાન રામાયણ નિહાળનારો વર્ગ આજે પણ આ કલાકારોને યાદ કરે જ છે.