ધારી તાલુકાના માણાવાવ ગામની સીમમાં રહેતા એક મજૂરે તેમના ગામની યુવતિ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જેનો ખાર રાખી ત્રણ ફોર વ્હીલમાં ૧૩ લોકોએ આવી યુવકની પત્ની તથા ત્રણ માસની દિકરીને ફટકારી હતી. ઉપરાંત અપહણ કરી જાનથી મારવાની ધમકી આપી હતી. આ અંગે મૂળ બોટાદ તાલુકાના હોળાયા ગામના અને હાલ માણાવાવ ગામની સીમમાં વાડીએ રહી મજૂરી કરતાં કેતનભાઈ જયંતીભાઈ રાઠોડ (ઉ.વ.૨૨)એ કવાભાઈ દેવાભાઈ મારૂ, ભાવેશભાઈ ઉર્ફે બાવચંદભાઈ હનુભાઈ મારૂ સહિત ૧૩ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમણે તેમના ગામના હનુભાઇ દેવાભાઇ મારૂ (ભરવાડ)ની દિકરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જેનો ખાર રાખી આરોપીઓ તથા તેની સાથે આવેલા અજાણ્યા માણસોએ ધારીયા, લાકડી, છરી જેવા હથિયારો ધારણ કરી ત્રણ ફોર વ્હીલમાં આવ્યા હતા. જ્યાં તેમની પત્નીને માર માર્યો હતો, ઉપરાંત પત્ની તથા તેમની ૩ માસની દીકરીને બળજબરીથી અટકાયત કરી તથા અપહરણ કરી લઇ ગયા હતા તથા પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમને ઢીકાપાટુનો માર માર્યો હતો. સાવરકુંડલા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા વધુ તપાસ કરી રહ્યા છે.