ડોળાસા નજીકનાં માઢગામ ગામ પાસે ઉના મામલતદાર કચેરીનાં બે કર્મચારીઓને પુરઝડપે આવતા માતેલા સાંઢ જેવા ટ્રકે અડફેટે લઈ આશરે સો ફૂટ દૂર ફંગોળતા એકનું ઘટના સ્થળે જ મોત થયું છે. જ્યારે બીજાને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે દવાખાને ખસેડાયા છે. સાંજનાં પાંચ વાગ્યા આસપાસ ઉનાથી પુરઝડપે આવી રહેલા ટ્રક નંબર ય્ત્ન ૧૧ ઢ ૮૫૯૫ ના ચાલકે શોખડા ફાટકથી થોડે દૂર રોડ સાઈડમાં ઊભેલી મોટર સાઇકલ નંબર ય્ત્ન ૧૪ છન્ ૫૭૦૭ અને બાજુમાં ઊભેલા મોટર સાયકલ સવાર રેવન્યુ તલાટી તરીકેનો ચાર્જ સંભાળતા ભરતભાઈ પંડ્‌યા (ઉંમર ૩૭) અને સાથે ઉભેલા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા દિલીપભાઈ બાંભણિયાને અડફેટે લેતા ભરતભાઈ સો ફૂટ દૂર ફૂટબોલની જેમ ફંગોળાયા હતા અને રોડની ઊંચાઈથી દસ ફૂટ નીચે પડતાં તેઓનું ઘટના સ્થળે જ મોત થયું હતુંં. જ્યારે દિલીપભાઈને બંને પગમાં ગંભીર ઇજા થતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા છે. અકસ્માત સર્જી ટ્રક ચાલક અર્ધો કિમી દૂર ટ્રક ઊભો રાખી ફરાર થઈ ગયો હતો. ઉના પોલીસે તુરંત ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી અને ટ્રકને કબ્જામાં લઇ ઉના મોકલી દીધો છે.