આૅપરેશન સિંદૂર વખતે ભારતીય સેના પાકિસ્તાનમાં રહેલા ત્રાસવાદીઓ, તેમનાં ઠેકાણાંઓ અને પાકિસ્તાનના વાયુ સેનાનાં મથકો ધડાધડ નાશ કરી રહી હતી ત્યારે સેક્યુલર પ્રજાતિએ ‘યુદ્ધને ના’ (say no to war) કહી પાકિસ્તાન સામે યુદ્ધ ન કરવાનું અભિયાન ‘ઍક્સ’ પર ચલાવ્યું. આ એ જ પ્રજાતિ હતી જે પહેલગામમાં પાકિસ્તાનના ત્રાસવાદીઓએ સ્થાનિક મુસ્લિમો સાથે મળીને ૨૬ નિર્દોષ હિન્દુ-ખ્રિસ્તીને ધર્મ પૂછીને, પેન્ટ ખોલાવીને જનનેન્દ્રિય તપાસીને તેમજ કલમા આવડે છે કે નહીં તે સાંભળીને હત્યા કરી ત્યાર પછી મંડી પડ્‌યા હતા કે મોદીજી, પાકિસ્તાન પર આક્રમણ ક્યારે કરો છો?
આ પ્રજાતિમાં ઉત્તર પ્રદેશમાં ગત વિધાનસભા ચૂંટણી વખતે પ્રકાશમાં આવેલી નેહાસિંહ રાઠોડ નામની કથિત ગાયિકા, જે પાકિસ્તાન સામેની આ કાર્યવાહી સમયે પાકિસ્તાન તરફી થઈ ચૂકી હતી, ‘ટાઇમ્સ આૅફ ઇન્ડિયા’, ‘એનડીટીવી’માં કામ કર્યાનો દાવો કરતાં પત્રકાર સબા નકવી, ‘ધ વાયર’નાં પત્રકાર આરફા ખાનમ શેરવાની, ટીવી ૯ના પૂર્વ તંત્રીમાંથી હવે ફિલ્મકાર બની ગયેલા વિનોદ કાપડી, પોતાને રાજકીય વિશ્લેષક, કવિ, પત્રકાર એવું ઘણું બધું ગણાવતા રાજુ પારુલેકર, ફૅક્ટ ચૅકના નામે નુપૂર શર્મા વગેરે જમણેરીઓને મોહમ્મદ ઝુબૈરની સાથે મળીને ટાર્ગેટ કરતા પ્રતીક સિંહા, પત્રકાર નિખિલા હેન્રી, વગેરે હતા.
જ્યારે પહેલગામમાં હિન્દુઓની હત્યા કરાય છે ત્યારે કોંગ્રેસના નેતા અને ગાંધી પરિવારના જમાઈ રાબર્ટ વાડ્રા કહે છે કે ભારતમાં મુસ્લિમો પર બહુ અત્યાચાર થાય છે તેથી આ આક્રમણ થયું. એટલે કે આ હત્યાઓને ઉચિત ગણાવે છે.
આ લોકોની રણનીતિ ત્રણ પ્રકારે કામ કરે છેઃ જ્યારે મુસ્લિમો કે નક્સલવાદીઓ આક્રમણ કરે છે ત્યારે કાં તો, તેઓ તેમની કોઈ એવી પૃષ્ઠભૂમિ કે તેમના સગાની પૃષ્ઠભૂમિ શોધી લાવી તેમના પ્રત્યે સહાનુભૂતિ સર્જવા પ્રયાસ કરશે, જેથી દેશમાં તેમના સમુદાય પ્રત્યે આક્રોશ ન ફેલાય. આવી ઘટનાઓમાં સારા મુસ્લિમ પણ મદદ કરવા આગળ આવે. તેમને જ વધુ હાઇલાઇટ કરવાના અને એવું સાબિત કરવાનો પ્રયાસ કરવાનો કે આતંકવાદનો કોઈ મઝહબ હોતો નથી. એ તો કોઈ પણ મોટી દુર્ઘટના વખતે સામાન્ય માણસો મદદે ચડી આવે છે, ત્યારે તેમના ધર્મ, પંથ કે પેટા સંપ્રદાયને કોઈ હાઇલાઇટ કરતું નથી. વર્ષ ૨૦૧૭માં મુંબઈમાં ધોધમાર વરસાદ આવ્યો હતો અને ખૂબ પાણી ભરાઈ ગયા હતા ત્યારે ઘણા લોકોએ પોતાનું સરનામું આપીને અજાણ્યાને આૅફર કરી હતી કે તમે આ વિસ્તારમાં હો તો અમારે ત્યાં રોકાઈ શકો. એ સમયે આવી આૅફર કરનારાનો ધર્મ હાઇલાઇટ કરાયો હતો? ના. જો આ સેક્યુલરો એમ કહેતા હોય કે આતંકવાદનો કોઈ મઝહબ નથી હોતો, તો પછી મદદ કરનારનો પણ કોઈ મઝહબ ન જ હોય. સમાચારમાં હેડિંગમાં ‘મુસલમાને મદદ કરી’ તેવું ન લખવું જોઈએ.
રણનીતિનો બીજો ભાગ છે, જ્યારે આવું ત્રાસવાદી આક્રમણ થાય ત્યારે વડાપ્રધાન મોદીજી સામે દબાણ સર્જવું કે ક્યારે ૫૬ની છાતી બતાવો છો. એક છાપાએ જ્યારે ભૂતકાળમાં પુલવામામાં આવું આક્રમણ થયું ત્યારે ‘૫૬ની છાતીની કાયરતા’ આવું હેડિંગ વાપર્યું હતું. અને ૨૬ નવેમ્બર ૨૦૦૮ના મુંબઈ ત્રાસવાદી આક્રમણ વખતે આ છાપું નેતૃત્વ સામે આવા તીખા હેડિંગ વાપરવાથી બચતું હતું. એટલે ઉપરોક્ત સેક્યુલર પ્રજાતિએ મોદીજી પર પાકિસ્તાન સામે ક્યારે કાર્યવાહી કરો છો તેવું દબાણ સર્જ્યું હતું અને જ્યારે મોદીજીએ જાતિના આધારે જનગણનાની જાહેરાત કરી ત્યારે આ કાર્ટૂનમાં બતાવ્યું કે મોદીજી પાકિસ્તાન સામે જાતિગત જનગણનાથી ઉત્તર આપશે.
રણનીતિનો ત્રીજો ભાગ એ કે (ડા. મનમોહનસિંહ હોય તો જડબાતોડ ઉત્તર ન જ આપે પરંતુ) જો ન કરે નારાયણ, ને કરે નરેન્દ્ર, ભારતીય સેના મજબૂત ઉત્તર આપવા લાગે અને પાકિસ્તાનની સંસદમાં દેકારો થાય, સાંસદો અલ્લાહ પાસે મુઆફી (પોતાના લેખમાં ખોટું ઉર્દૂ લખી ભાષાના જ્ઞાન બાબતે અનાવૃત થતા ઉર્દૂ પ્રેમીઓને ખબર નહીં હોય કે સાચો શબ્દ માફી નથી, મુઆફી છે, જે અભિનેતા રાજકુમાર અને અમરીશ પુરી જ બોલતા હતા) માગી પોક મૂકીને રડવા લાગે ત્યારે તેની વેદના ભારતની ઉપરોક્ત સેક્યુલર પ્રજાતિને થવા લાગે છે. ખબર નહીં, તેમને પાકિસ્તાનથી તેમના આકા સૂચના આપતા હશે કે કેમ, પણ તેઓ ‘યુદ્ધને ના’ પ્રકારનું અભિયાન ચલાવવા લાગે છે.
પાકિસ્તાન સામેની ત્રાસવાદ વિરોધી કાર્યવાહી ‘આૅપરેશન સિંદૂર’ અંગે વિપક્ષોના સાંસદો શશિ થરૂર, મનીષ તિવારી, પ્રિયંકા ચતુર્વેદી, કનિમોઝી અને અસદુદ્દીન ઓવૈસીએ વિદેશમાં જઈને પાકિસ્તાન વિરુદ્ધ મજબૂત ઉત્તરો આપી સુંદર કામ કર્યું. એક નેરેટિવ બન્યો કે પાકિસ્તાન સામે ભારતના પક્ષો એક છે. આ પ્રતિનિધિમંડળની વિશેષતા એ હતી કે તેમની પસંદગી મોદી સરકારે બહુ ચતુરાઈપૂર્વક કરી હતી. તેઓ અલગ-અલગ રાજકીય પક્ષનું પ્રતિનિધિત્વ તો કરતા હતા, સાથે અલગ-અલગ પ્રાંત, અલગ-અલગ પંથ અને અલગ-અલગ ભાષાના હતા. શશિ થરૂર કેરળનાં અને
કોંગ્રેસના છે. કનિમોઝી દ્રમુકનાં સાંસદ છે. પ્રિયંકા ચતુર્વેદી મહારાષ્ટ્રની શિવસેના (ઉદ્ધવ ઠાકરે)નું પ્રતિનિધિત્વ કરે છે. આમાંથી દ્રમુક અને શિવસેના પોતાનાં રાજ્યોની મૂળ પ્રજા અને ભાષા બાબતે કટ્ટર છે. તેઓ અનુક્રમે તમિળ અને મરાઠીનો જ આગ્રહ રાખે છે.
આથી જ એક પત્રકારે કનિમોઝીને ચીંટિયો ભર્યો કે “ભારતની રાષ્ટ્રીય ભાષા કઈ છે?” તો કનિમોઝીએ સુંદર ઉત્તર આપ્યો, “વિવિધતામાં એકતા.” અસદુદ્દીન ઓવૈસીએ પણ પાકિસ્તાનને મજબૂત રીતે ઘેર્યું. શશિ થરૂર કાલંબિયામાં ગયા તો ત્યાં તેમણે દુઃખ વ્યક્ત કર્યું કે કાલંબિયાએ પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ મર્યા તે અંગે શોક વ્યક્ત કરતું નિવેદન આપ્યું હતું. શશિ થરૂરનો એવો પ્રભાવ પડ્‌યો કે જેના લીધે કાલંબિયાએ પોતાનું નિવેદન પાછું ખેંચ્યું.
ભારતની નીતિમાં મોદીજીએ તો ‘આૅપરેશન સિંદૂર’ પછી ત્રણ મહત્વના ફેરફાર જાહેર કર્યા જ હતાઃ ૧. ત્રાસવાદના કોઈ પણ કૃત્યને યુદ્ધનું કૃત્ય ગણી ઉત્તર આપવામાં આવશે. ૨. ત્રાસવાદીઓ અને ત્રાસવાદને પોષક સરકાર વચ્ચે કોઈ અંતર નહીં સમજવામાં આવે. ૩. પાકિસ્તાન પાસે પરમાણુ શસ્ત્રો છે તેવી ધમકીથી ભારત ડરી નહીં જાય.
પરંતુ શશિ થરૂરે તો પનામામાં જઈને કહી દીધું કે ભારત ભલે ગાંધીજીનો દેશ હોય, પરંતુ ગાંધીજીની એવી ખોટી નીતિ પર નહીં ચાલે જેમાં ગાંધીજી કહેતા હતા કે કોઈ આપણને એક ગાલ પર લાફો મારે તો બીજો ગાલ આગળ ધરવો.
આ બધાના વીડિયો ખૂબ વાઇરલ થયા પરંતુ ભારતના સેક્યુલર મીડિયાએ તેને મહત્વ ન આપ્યું. જો આપ્યું હોત તો પછી ‘અમારા પર વિશ્વાસ કરો’ની જાહેરખબર આપવી ન પડત કારણકે સાશિયલ મીડિયા પર આ બધા સાંસદોના ઉત્તરો સાંભળી પ્રસન્ન થતા દર્શકોને વાચકો તરીકે ખબર પડી કે આ સેક્યુલર પ્રિન્ટ મીડિયાએ આ સમાચારો તો લીધા જ નથી ત્યારે તેઓ દુઃખ અનુભવે છે કે વિપક્ષો ભારતની સારી છબિ રજૂ કરે ત્યારે પણ કેમ આ સેક્યુલર મીડિયા તેને પ્રસિદ્ધિ નથી આપતું?
શશિ થરૂર વિદેશમાં ભારત વતી સિમેન્ટ જેવો મજબૂત પક્ષ મૂકી રહ્યા હતા તે સમયે કોંગ્રેસના અહીંના પ્રવક્તા તેમને શું કહી રહ્યા હતા? કોંગ્રેસે દલિત નેતા ઉદિત રાજને આગળ ધરીને શશિ થરૂર પર આક્ષેપ કરાવડાવ્યો કે શશિ થરૂર ભાજપના પ્રવક્તા તરીકે વર્તી રહ્યા છે. કોંગ્રેસ આ જ ભૂલ કરે છે કે તે ભારતને ભાજપ માની બેસે છે જેના કારણે ભારતની વાત મજબૂત રીતે મૂકાતી હોય તો તેને ભાજપ માટે લાભકારક માની તેનો વિરોધ કરે છે. સરવાળે, લોકોમાં પણ સંદેશ જાય છે કે ભાજપ જ ભારત છે. ભાજપ જ ભારત માટે લાભકારક વાત કરે છે અને નીતિ અપનાવે છે.
આવામાં કોંગ્રેસના પડદા પાછળના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ‘નરેન્દર (નરેન્દ્ર મોદી) મતલબ સરેન્ડર’ એટલે કે રા. સ્વ. સંઘ અને ભાજપને તો શરણાગતિ સ્વીકારવાની બ્રિટિશરો સમયથી ટેવ છે તેવું કહી વિવાદનો મધપૂડો છંછેડી દીધો. રાહુલ ગાંધી ભૂલી ગયા કે તેમનાં દાદી ઈન્દિરા ગાંધીએ જેમના માનમાં ટિકિટ બહાર પાડી હતી તે વીર સાવરકરે એવી લડત આપી હતી કે તેમને અંગ્રેજોએ બે વાર કાળા પાણીની આજીવન કારાવાસની સજા કરી હતી. ઘાંચીના બળદની જેમ તાવમાં પણ તેમની પાસે તેલ કઢાવતા હતા. કાળી કોટડીમાં પૂરીને રાખતા હતા. તમારા પરનાના નહેરુની જેમ તેમને સુખસુવિધા સાથેનો ગાદલાં-તકિયા સાથેનો રાજકીય કારાવાસ પ્રાપ્ત નહોતો.
વરિષ્ઠ રાજકીય વિશ્લેષક આનંદ રંગનાથને રાહુલ ગાંધીને જોરદાર ઉત્તર આપ્યો. તેમણે કહ્યું કે શરણાગતિ તો તમારી કોંગ્રેસ સ્વીકારતી આવી છે. ૧. નહેરુએ ભારતનું વિભાજન સ્વીકારી લીધું. ૨. પાકિસ્તાને કાશ્મીર પર ચડાઈ કરી કાશ્મીર પચાવી પાડ્‌યું ત્યારે સેનાએ તેને ખદેડી અડધું કાશ્મીર પાછું મેળવી લીધું ત્યારે જ તમારા પરનાનાએ શરણાગતિ સ્વીકારી લીધી હતી અને અડધું કાશ્મીર પાકિસ્તાન પાસે રહેવા દીધું. ૩. ચીનને અક્સાઈ ચીન આપી દીધું. ૪. ૧૯૬૨ના યુદ્ધમાં ચીન સામે ભારતીય સેનાને શરણાગતિ તમારા પરનાનાને કારણે સ્વીકારવી પડી કારણકે સ્વતંત્રતા સમયે તો નહેરુ સેના જ ઇચ્છતા નહોતા. તેમને તો પોલીસથી જ કામ ચલાવવું હતું અને સેના બળવો કરશે તે ભયથી સેનાને મજબૂત થવા ન દીધી. ૫. ૧૯૬૫ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભારતીય સેનાએ પાકિસ્તાનની ચોકીઓ જીતી લીધી તો પણ તાશ્કંદમાં લાલબહાદુર શાસ્ત્રી ઝૂકી ગયા. ૬. ૧૯૭૧ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં બાંગ્લાદેશ તો અલગ કરાવ્યું પરંતુ ઈન્દિરા ગાંધીએ ભારતીય સેનાએ પકડેલા પાકિસ્તાનના ૯૦ હજાર યુદ્ધકેદીઓને છોડી સામા પક્ષે ભારતીય ૫૬ સૈનિકોને છોડાવ્યા નહીં, સેનાએ જીતેલી જમીન પણ પાછી આપી દીધી અને કાશ્મીરનો પ્રશ્ન પણ લટકતો રાખ્યો. ૭. ચીનના સામ્યવાદી પક્ષ સાથે એમઓયૂ કરી લીધા. ૮. ૨૬ નવેમ્બર ૨૦૦૮ના મુંબઈ આક્રમણનો જડબાતોડ ઉત્તર ન આપીને શરણાગતિ સ્વીકારી લીધી. ૯. ડાકલામમાં ચીનની સેના સામે ભારતીય સેના ૭૨ દિવસ મજબૂત રીતે ઊભી હતી જેના લીધે ચીનને પીછેહટ કરવી પડી તે જ સમયે રાહુલ ગાંધીએ ચીનના રાજદૂતની ગુપ્ત મુલાકાત કરી.
પરંતુ વાત આટલા પૂરતી સીમિત નથી. આૅપરેશન સિંદૂર વખતે અને તે પહેલાં પણ છત્તીસગઢમાં માઓવાદી સામે સુરક્ષા દળો ભીષણ કાર્યવાહી કરીને માઓવાદીઓને ઠાર મારી રહ્યા હતા. વિશેષ રૂપે સીપીએમ (માઓવાદી)ના મહામંત્રી નંબલા કેશવ રાય ઉપાખ્યે બસવરાજુને પણ ઠાર મરાયો. આનાથી પણ કોંગ્રેસ અકળાઈ ઊઠી. તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બી. મહેશકુમાર ગાડે સુરક્ષા દળોની કાર્યવાહી અટકાવવા માગણી કરી ! તેમણે કહ્યું કે માઓવાદીઓ ભારતીય નાગરિકો જ છે. તેમની સાથે વાટાઘાટ કરાવી જોઈએ.
સીપીએમના નવા મહામંત્રી એમ.એ. બેબીએ પણ કહ્યું કે માઓવાદીઓ સામે કાર્યવાહી અટકાવવી દેવી જોઈએ. તેમની સાથે વાતચીત કરવી જોઈએ. આ કેટલી ગંભીર બાબત છે? આ બંને પક્ષો માઓવાદીઓને બચાવવા નીકળી પડ્‌યા છે. એ માઓવાદીઓ જે છત્તીસગઢ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા જેવાં રાજ્યોમાં વિકાસ થવા નથી દેતા, સુરક્ષા દળોને મારી નાખે છે, જે તિરંગો લહેરાવે તેની હત્યા કરે છે, તેમના પ્રત્યે શા માટે કૂણી લાગણી? શું આ ચીનના સંકેત પર હોઈ શકે? આનાથી તો ભાજપ માટે મોકળું મેદાન મળી જશે કે સંકટના સમયે કે અન્યથા કોંગ્રેસ અને ડાબેરી પક્ષો ભારતના શત્રુ એવા ઇસ્લામિક ત્રાસવાદીઓ અને માઓવાદીઓ તરફી હોય છે.
jaywant.pandya@gmail.com

આૅપરેશન સિંદૂર પછી શશિ થરૂર વિદેશમાં ભારતનો પક્ષ મજબૂત રીતે મૂકી ભારતમાં બધા પક્ષો એક છે તેવું ચિત્ર મૂકી રહ્યા હતા ત્યારે કોંગ્રેસ તેમને ભાજપના પ્રવક્તા ગણાવી રહી હતી, જ્યારે સુરક્ષા દળો માઓવાદીઓનો સફાયો કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસ અને સીપીએમે આ કાર્યવાહી અટકાવવા કહ્યું, આ શું બતાવે છે?