ઉત્તર પૂર્વીય પવનોના કારણે રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં થર્ડ ડિગ્રીની ઠંડી પડી રહી છે. આજે માઉન્ટ આબુમાં માઇનસ ૩ અને ગુરુશિખર પર માઇનસ ૫ ડીગ્રી તાપમાન નોંધાતા સહેલાણીઓ પણ ધ્રુજી ઉઠયા હતા. લોકોએ મોઢામાંથી ધુમાડા કાઢીને ઠંડીનો રોમાંચક અહેસાસ કર્યો હતો.
છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની અસર અન્ય રાજ્યમાં જોવા મળી રહી છે. જેમાં ગુજરાતીઓના મનપસંદ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કડકડતી ઠંડી પડી હતી. જેમાં લઘુત્તમ તાપમાન માઈનસ ૩ ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન ૨૧ ડિગ્રી નોંધાયું હતું. તાપમાનનો પારો ગગડ્યા બાદ મેદાની વિસ્તારોમાં ચારેબાજુ બરફ જોવા મળ્યો હતો. ઘરોની બહાર રાખવામાં આવેલ પાણી પણ થીજી ગયું હતું.
ડુંગરાળ વિસ્તારોમાં વહેતા નાળાઓમાં પણ થીજી ગયા હતા. હોટલ અને ઘરો પર લગાવવામાં આવેલ સોલાર હિટરની પાઇપોમાં પણ પાણી જોમી ગયું હતું. આ વર્ષે શિયાળામાં પ્રથમવાર આવી કડકડતી ઠંડીના કારણે બાળકો અને વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો બોનફાયર પ્રગટાવીને શિયાળાથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે.
બીજી તરફ માઉન્ટ આબુ પહોંચેલા પ્રવાસીઓ પણ આ સિઝનની મજો માણી રહ્યા છે. વહેલી સવારે નકીલેક ફરવા નીકળેલા પ્રવાસીઓ ચાની ચુસ્કીઓ લઈને ઠંડીને દૂર કરતા જોવા મળ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી માઉન્ટ આબુમાં ઠંડીનો જોરદાર પ્રકોપ જોવા મળી રહ્યો છે. સિઝનની સૌથી વધુ ઠંડી રાતે અને સવારે હતી. અસહ્ય ઠંડીના કારણે લોકોનું જનજીવન પ્રભાવિત થયું હતું.
કચ્છના અબડાસા તાલુકાનું નલિયા રાજ્યમાં સૌથી ઠંડું શહેર બન્યું છે. ૧૭ અને ૧૮ ડિસેમ્બરની વચ્ચેની રાત્રે નલિયામાં ૨.૫ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગત વર્ષના ડિસેમ્બર મહિનામાં સૌથી નીચું તાપમાન ૨.૫ ડિગ્રી નોંધાયું હતું જે છેલ્લા ૧૦ વર્ષમાં સૌથી નીચું હતું. કોલ્ડ વેવની આગાહીના એક દિવસ બાદ જ નલિયામાં ૩.૮ ડિગ્રી નોંધાઇ હતી. ત્યારબાદ એક દિવસ તાપમાનમાં થોડો વધારો નોંધાઈ પારો ૫.૪ ડિગ્રી સુધી પહોંચ્યો હતો અને તેના બીજો જ દિવસે ૨.૫ ડિગ્રી સુધી પડ્યો હતો.