વિસાવદર તાલુકાના માંડાવડ ગામે આવેલા વી.ડી. પટેલ શૈક્ષણિક સંકુલ ખાતે આગામી રક્ષાબંધનના પર્વની ઉજવણીના ભાગરૂપે એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ‘વેસ્ટમાંથી બેસ્ટ’ વસ્તુઓનો ઉપયોગ કરીને જાતે જ રાખડીઓ બનાવી હતી.વિદ્યાર્થીઓએ પોતાની આગવી સુઝબુઝ અને કલાત્મકતાનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની સુંદર રાખડીઓ તૈયાર કરી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને કલા કૌશલ્ય વિકસાવવાનો હતો. આ પ્રસંગે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ઠેસિયા, કેમ્પસ ડિરેક્ટર પાદરીયા, આચાર્ય વાડોદરિયા અને સંસ્થાના તમામ કર્મચારીઓએ હાજર રહીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને જીવનલક્ષી કળા વિકસે તે માટે સતત માર્ગદર્શન આપવાની ખાતરી આપી હતી અને રક્ષાબંધન પર્વનું મહત્વ પણ સમજાવ્યું હતું.