રાજુલા તાલુકાના માંડળ ગામે મોબાઇલમાં એક યુવતીનો ફોટો પાડવા મુદ્દે તેના પિતાએ ઠપકો આપ્યો હતો. જેથી સારું નહીં લાગતાં તેમને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે ચકુરભાઈ હરજીભાઈ રાઠોડ (ઉ.વ.૫૫)એ તેમના જ ગામના સુરાભાઈ બાલાભાઈ વાળા તથા બાલાભાઈ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ ચકુરભાઈની દીકરી બજારમાં નીકળી ત્યારે આરોપીએ તેના મોબાઇલમાં ફોટા પાડ્‌યા હતા. જે અંગે તેને ઠપકો આપતાં સુરાભાઈને સારું નહોતું લાગ્યું અને તેમને તથા તેમની પત્ની અને દીકરીને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ડુંગર પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ કે.એમ.વાઢેર વધુ તપાસ કરી રહ્યા છે. બાબરાના ઘુઘરાળા ગામે રહેતા પારૂલબેન નરેશભાઈ માધડ (ઉ.વ.૨૪)એ તેમના જ ગામના અશોક ઉર્ફે મયલો કેશુભાઈ મહીડા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી તેમના ઘરની ડેલી પાસે આવી જોર જોરથી ગાળો બોલવા લાગ્યો હતો અને છરી બતાવી મારી નાંખવાની ધમકી આપી હતી. આરોપી અવાર નવાર હેરાન કરી મારી નાંખવાની ધમકી આપતો હતો. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.ડી.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.