બિહારનાં પૂર્વ મુખ્યમંત્રી અને હિન્દુસ્તાન આવામ મોરચા (હમ)નાં રાષ્ટ્રીયય અધ્યક્ષ જીતન રામ માંઝી વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં છે. તેમની પૂજો, દેવી-દેવતાઓ અને બ્રાહ્મણો પર કરેલી ટિપ્પણીને કારણે બિહારની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. તેમણે શનિવારે એક કાર્યક્રમમાં બ્રાહ્મણો માટે અપશબ્દો કહેવા બદલ માફી માંગી લીધી છે, પરંતુ મામલો શાંત થઈ રહ્યો નથી. સોમવારે જીતનરામ માંઝી વિરુદ્ધ બિહારની કોર્ટ અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
આ મામલે બિહાર ભાજપ નેતા ગજેન્દ્ર ઝાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે માંઝી પર શાંબ્દિક હુમલો કર્યો અને ત્યાં સુધી કહ્યું કે જે પણ બ્રાહ્મણનો દિકરો માંઝીની જીભ કાપીને લાવશે તો તેનું હુ ૧૧ લાખ રૂપિયા ઈનામ આપીશ. અત્યારે જ્યારે ભાજપ નેતા તરફથી માંઝીની જીભ કાપવાની વાત બહાર આવી ત્યારે હિન્દુસ્તાની આવામ મોરચાએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. હમનાં પ્રવક્તા દાનિશ રિઝવાને કહ્યું છે કે, કોની માતાએ દૂધ પીધુ છે, કે જે જીતનરામ માંઝીની જીભ કાપી શકે. ભાજપ નેતૃત્વ પોતાના નેતાઓને સંભાળે, નહીં તો પરિણામો ખરાબ આવશે. જ્યારે માંઝીએ અફસોસ વ્યક્ત કર્યો હતો, ત્યારે મામલો આગળ વધારવો યોગ્ય નથી. ભાજપનાં નેતાઓ દ્વારા માંઝી માટે સતત અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. હવે ગજેન્દ્ર ઝાએ માંઝીની જીભ કાપવાની વાત કરી છે, શું તે દલિતોનાં અપમાનની વાત નથી? રિઝવાને કહ્યું કે હું બિહાર ભાજપનાં ટોચનાં નેતાઓને કહેવા માંગુ છું કે તેઓ પોતાના લોકોને સમજોવે કે આ બધું યોગ્ય નથી.
જીતન રામ માંઝી વિવાદાસ્પદ નિવેદનો માટે ઓળખાય છે. શનિવારે વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો વાયરલ થયા બાદ વિરોધ પક્ષો સિવાય એનડીએની મુખ્ય પાર્ટી ભાજપ અને જદયુએ પણ માંઝીની નિંદા કરી હતી, પોતાને ઘેરાયેલા જોઈને માંઝીએ રવિવારે પોતાના નિવેદન માટે માફી માંગી હતી, પરંતુ આ દરમિયાન પણ તેમની ઘણી વખત જીભ લપસી હતી. માંઝીએ કહ્યું કે જે શબ્દ પર વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે, તે અમે અમારા સમાજનાં લોકો માટે કહ્યા હતા. અન્ય કોઈ જ્ઞાતિનાં લોકો માટે નહીં. પરંતુ જો કોઈ ગેરસમજ થઈ હોય, તો અમે માફી માંગીએ છીએ.