(એ.આર.એલ),મહેસાણા,તા.૧૭
મહેસાણા દૂધસાગર ડેરીનું ટર્નઓવર રૂ. ૭,૫૯૪ કરોડ પર પહોંચ્યું છે. ડેરી દ્વારા રૂ. ૪૦૨ કરોડના ભાવવધારાની જાહેરાત કરવામાં આવી છે. ચેરમેન અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ત્રણ વર્ષમાં ડેરીનું ટર્નઓવર રૂ. ૨,૪૮૨ કરોડ વધ્યું હતું.દૂધના ભાવમાં રૂ. ૧૭૦ જેટલો વધારો થયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં દૂધ ઉત્પાદકોને રૂ. ૧,૧૮૮ કરોડ રૂપિયા મળ્યા છે. સાગર દાણના ભાવમાં ઘટાડાથી દૂધ ઉત્પાદકોને રૂ. ૨૫૦ કરોડનો ફાયદો થયો છે. ડેરીના કર્મચારીઓના વીમા લાભમાં ૫૦૦ ટકા વધારો કરાયો છે. આ ઉપરાંત ૧૦ ટકા ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી હતી.તેની સાથે દૂધ ઉત્પાદક મંડળીઓને સોલર પ્લેટની સહાય ૨૫,૦૦૦થી વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી હતી. પાડી દાણમાં સબસિડી વધારવામાં આવી હતી. તેના લીધે દાણ ૯૯૦ના બદલે ૫૦૦ રૂપિયામાં મળશે. દૂધસાગર ડેરીના સામાન્ય સભામાં આ ઉપરાંત કંપનીની કામગીરી અંગે સવિસ્તર માહિતી આપવામાં આવી હતી.