મહેસાણામાં જનરલ સિવિલ હોસ્પિટલના નામે બોગસ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ બનાવવાના કથિત કૌભાંડનો પર્દાફાશ થતાં આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રમાં ચકચાર મચી ગઈ છે. સરકારી નોકરી મેળવવા માટે ડાક્ટરોની નકલી સહી અને સિક્કાનો ઉપયોગ કરીને મેડિકલ સર્ટિફિકેટ તૈયાર કરવામાં આવતા હોવાનો મામલો સામે આવ્યો છે.
પ્રાથમિક માહિતી મુજબ, મહેસાણા સિવિલ હોસ્પિટલમાં વિવિધ સરકારી અને ખાનગી સંસ્થાઓ માટે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવે છે. તાજેતરમાં એક વ્યક્તિ ચાર ઉમેદવારોના દસ્તાવેજા લઈને કાઉન્ટર સહી કરાવવા હોસ્પિટલ પહોંચ્યો હતો. આ દસ્તાવેજાની તપાસ દરમિયાન સિવિલ સર્જન ડા. ગોપી પટેલને કેટલીક શંકાસ્પદ વિગતો નજરે પડી હતી.
ચકાસણી દરમિયાન જાણવા મળ્યું કે ચારમાંથી ત્રણ ઉમેદવારો અગાઉ હોસ્પિટલમાં તપાસ કરાવી ચૂક્યા હતા અને તેમના રિપોર્ટ નિયમિત પ્રક્રિયા મુજબ તૈયાર કરવામાં આવ્યા હતા. જોકે ચોથા ઉમેદવારના દસ્તાવેજામાં ગેરરીતિ હોવાની શંકા ઊભી થતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ તપાસ દરમિયાન હોસ્પિટલના કેટલાક તબીબોના નામે બનાવવામાં આવેલા ત્રણ નકલી સિક્કા મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ સિક્કાઓનો ઉપયોગ કરીને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ તૈયાર કરવામાં આવતા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મામલાની ગંભીરતા ધ્યાનમાં રાખીને સંબંધિત વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો દાખલ કરીને સમગ્ર કૌભાંડમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. નકલી સર્ટિફિકેટનો ઉપયોગ કરીને સરકારી નોકરી મેળવવાનો પ્રયાસ થયો હતો કે નહીં તે મુદ્દે પણ તપાસ ચાલી રહી છે.
આ ઘટનાએ સરકારી દસ્તાવેજાની વિશ્વસનીયતા અને ચકાસણી પ્રક્રિયા અંગે અનેક સવાલો ઊભા કર્યા છે. હાલ પોલીસ અને આરોગ્ય વિભાગ બંને દ્વારા મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.








































