મહેસાણામાં ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ ફરી પાછું ઝડપાયું છે. વિસનગર અને ખેરાલુમાંથી ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું છે. આમ શેરબજારનું રેકેટ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. બે જુદા-જુદા ગુનામાં ૧૩ લોકો સામે ફરિયાદ થઈ છે. પોલીસે આ કેસમાં ત્રણની ધરપકડ કરી છે અને ૧૦ ફરાર છે.
આમ મહેસાણા જિલ્લામાં શેરબજારનું ડબ્બા ટ્રેડિંગ બંધ થતું નથી. વિસનગરની દેવભૂમિ સોસાયટીના મકાન નંબર ૯ માંથી ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું છે. આ ઉપરાંત ખેરાલુ મલારપુરા ગામની સીમમાં આ ટ્રેડિંગ ઝડપાયું છે. મહેસાણા જિલ્લાને હચમચાવી મુકનાર ડબ્બા ટ્રેડિંગ મામલે ગૃહ વિભાગના નિર્દેશ બાદ ગાંધીનગર રેન્જ આઈ જી દ્વારા એસ આઈ ટી ની રચના કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લામાં વડનગર, ખેરાલુ, સતલાસણા ડબ્બા ટ્રેડિંગનું એપી સેન્ટર છે.છેલ્લા બે વર્ષમાં ઉત્તર પ્રદેશ,હરિયાણા,રાજસ્થાન અને દિલ્હી જેવા રાજ્યના શેર બજારના રોકાણકારોને ટાર્ગેટ કરી કરોડોની ઠગાઈ થઈ હોવાના આ કૌભાંડમાં હવે ચોંકાવનારા ખુલાસા થયા છે.
સિટે આ મામલે છેલ્લા ૧૦ દિવસમાં ૪૫ આરોપીને ઝડપ્યા છે.વડનગર,વિસનગર,ખેરાલુમાં અને સતલાસણા તાલુકામાં બેરોજગાર યુવાનોને ટાર્ગેટ કરી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવી ઠગાઈ આચરવાનું આ કૌભાંડ કોઈ ફિલ્મી કહાનીની કમ નથી. બેરોજગાર યુવાનોને ટાર્ગેટ કરી ખુલ્લા ખેતરોમાં ચાલતા કોલ સેન્ટરો દ્વારા ઠગાઈનો આંક ૧૦૦ કરોડ કરતા પણ વધુ હોવાનો પણ પોલીસ દ્વારા અંદાજ મુકવામાં આવ્યો છે.શેર બજારમાં રોકાણકારોનું લિસ્ટ મેળવી કોઈ પ્રોફેશનલ એડવાઇઝ આપે તે રીતે વિશ્વાસમાં લઈ કરોડો રૂપિયા સેરવી લેવાના આ કૌભાંડમાં નીત નવા ખુલાસા હવે થઈ રહ્યા છે.
ગઠિયાઓએ ગામડાના ગરીબ લોકોને ૨૦૦૦ રૂપિયા આપવાની લાલચ આપી ડોક્યુમેન્ટ મેળવી લઈ ૪૨ જેટલા એકાઉન્ટ ખોલી ૨૭ કરોડ રૂપિયાનું ટ્રાન્સજેક્શન થયું હોવાનું હાલ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.આ તમામ એકાઉન્ટ મહેસાણા જિલ્લાની બેંકોમાં ખોલવામાં આવ્યા હોવાનું અને ગઠિયાઓએ રોકડ રકમ ઉપાડી લીધી હોવાનો પણ ખુલાસો થયો છે.તો હજુ પણ ૯ કેસની તપાસ બાકી છે.જેમાં ઠગાઈનો આંક ૧૦૦ કરોડને વટાવી જાય તેવી શક્યતા છે.
વિસનગર, વડનગર, ખેરાલુ અને સતલાસણા ચાર તાલુકાઓમાં શેરબજારના નામે લોકોને ટિપ્સ આપી ખાનગી મકાન, ખેતર અને કારમાં બેસી મેળવેલ કોન્ટેક્ટ લિસ્ટના સંપર્કો કરી આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. વધુ રૂપિયા રળવાની લાલચ આપીને નાણાં રોકાવી કોઈપણ જાતના લાયસન્સ વિના શિક્ષિત અને અભણ લોકો દ્વારા ડબ્બા ટ્રેડિંગ ચલાવવામાં આવી રહ્યું છે.
માત્ર ફોન કરીને કરોડો રૂપિયા ખાતામાં જમા થયા બાદ તે ઉપાડી લઈ છેતરપિંડી કરવામાં આવી છે. અત્યાર સુધીની તપાસમાં એચડીએફસી, એસબીઆઇ, બેન્ક ઓફ બરોડા, એક્સિસ બેન્ક, બંધન બેન્ક સહિતની બેંકોમાં ખોલવામાં આવેલા ૪૨ જેટલા ખાતાઓમાં ૨૭ કરોડ રૂપિયા લોકોના ટ્રાન્સફર થયા છે. આગામી દિવસોમાં જે ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થયા છે તે તમામ બેંકોના અધિકારી અને કર્મચારીઓની પૂછપરછ થશે અને જરૂર જણાશે તો ટીમ દ્વારા તેમની ધરપકડ પણ કરાશે.