મહેસાણામાં ધરોઈ ડેમ ભયજનક જળસપાટીની નજીક પહોંચી ગયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ધરોઈ ડેમની જળ સપાટી ૬૧૯ ફૂટને વટાવી ગઈ છે. ધરોઈ ડેમની ભયજનક સપાટી ૬૨૨ ફૂટ છે.હાલમાં ધરોઈ ડેમમાં પાણીની આવક ૨,૪૩૧ કયુંક છે. ધરોઈ ડેમમાં પાણીનો સંગ્રહ ૯૦ ટકા જેટલો થવા આવ્યો છે. હવે જા પાણીની આવક વધશે તો બંધના દરવાજા ખોલવામાં આવશે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે ધરોઈ ડેમના દરવાજા ખોલવામાં આવે તો આશ્ચર્ય નહીં થાય. આમ પણ રાજસ્થાન સહિતના ઉત્તર ભારતમાં ભારે વરસાદની આગાહી છે.આમ આ વર્ષે પણ ધરોઈ બંધ ૯૦ ટકા જેટલો ભરાતા મહેસાણા જિલ્લામાં આવેલા ધરોઈ બંધમાં પાણીની આવક વધતા ખેડૂતોને હવે સિંચાઈના પાણીની ચિંતા રહેશે નહી તથા પૂરતુ પાણી મળી રહેશે. ડેમમાં પાણીની સારી આવક થતાં એક દરવાજા ખોલવામાં આવ્યો છે.આ પહેલાં ઉપરવાસમાંથી આવતા સતત પાણીના લીધે મહેસાણામાં ધરોઈ બંધની સપાટી ૬૨૦ ફૂટે પહોંચી છે. આમ ધરોઈ બંધ ૬૨૨ ફૂટની ભયજનક સપાટીથી ફક્ત બે ફૂટ જ દૂર છે. જા ધરોઈ બંધ છલકાશે તો દાયકાઓ પછી પહેલી વખત આ પ્રકારની ઘટના બનશે. તેથી કેટલાક મજાકમાં પણ કહે છે કે ધરોઈ બંધ છલકાય ત્યારે જ રાજ્યમાં પૂરેપૂરો વરસાદ પડ્યો છે તેમ કહેવાય.મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે નર્મદામાં નવુ નીર આવ્યું છે. તેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. ડેમમાં નવા નીરની આવક થતાં નર્મદા બંધની સપાટી ફરીથી એક વખત ૧૩૧ મીટરથી પણ વધુ થઈ ગઈ છે અને આગામી દિવસોમાં પણ સતત વધતી રહે તેમ માનવામાં આવે છે. તેમા પણ છેલ્લા ૨૪ કલાકમાં ડેમની સપાટીમાં ૧.૨૭ મીટરનો વધારો નોંધાયો છે.








































