ઉત્તર ગુજરાતના શૈક્ષણિક હબ ગણાતા મહેસાણામાં એક માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. શહેરની બીબીએ/બીસીએ કોલેજની હોસ્ટેલમાં રહેતા અનુસૂચિત જાતિના એક વિદ્યાર્થી પર જૂની અદાવત રાખી ચાર શખસોએ હિચકારો હુમલો કર્યો છે. પીડિત વિદ્યાર્થીને જાતિસૂચક અપશબ્દો બોલી લાકડાના ધોકા અને બેલ્ટ વડે માર મારવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
મૂળ પોરબંદરનો વતની અને મહેસાણામાં અભ્યાસ કરતા પીડિત વિદ્યાર્થી અને તેની સાથે હોસ્ટેલમાં રહેતા મિતેષ પુરોહિત વચ્ચે ગત ૩ ફેબ્રુઆરીના રોજ સામાન્ય મજાક-મસ્તીમાં બોલાચાલી થઈ હતી. મિતેષે ગાળો આપતા વિદ્યાર્થીએ તેનો વિરોધ કર્યો હતો, જેનાથી ઉશ્કેરાઈને મિતેષે તેને જાઈ લેવાની ધમકી આપી હતી.
૪ ફેબ્રુઆરીની સવારે જ્યારે વિદ્યાર્થી કોલેજ જવા નીકળ્યો ત્યારે હોસ્ટેલ પાસે આવેલા હનુમાન મંદિર નજીક મિતેષ પુરોહિત અને તેના ત્રણ મિત્રોએ તેને આંતર્યો હતો. આરોપીઓએ દાદાગીરી કરી વિદ્યાર્થીને બળજબરીથી પગે પડી માફી માંગવા દબાણ કર્યું હતું. જ્યારે વિદ્યાર્થીએ અન્યાય સામે નમવાની ના પાડી, ત્યારે આરોપીઓએ તેને જાતિ વિષયક અપમાનજનક શબ્દો કહી ધોકા અને કમરના પટ્ટા (બેલ્ટ) વડે બેરહેમ માર મારવાનું શરૂ કર્યું હતું.
હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આખરે પીડિત વિદ્યાર્થીએ હિંમત એકઠી કરી પોતાની માતા સાથે મહેસાણા એ-ડિવિઝન પોલીસ મથકે પહોંચી આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે એટ્રોસિટી એક્ટ સહિત મારામારી અને ધમકીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓની શોધખોળ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
આ ઘટનાની ગંભીરતા જાજોતા કોલેજ પ્રશાસન પણ એક્શનમાં આવ્યું છે. વાઇસ પ્રિન્સીપાલ વી.કે. પટેલે જણાવ્યું હતું કે, કોલેજ કમિટી દ્વારા મુખ્ય આરોપી વિદ્યાર્થીને તાત્કાલિક અસરથી હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને આગામી સમયમાં તેના પર વધુ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.





































