મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના એક રેસિડેન્સીમાં ૨૫ વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હોવાનો મામલો પ્રકાશમાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને લઈને પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, વિસનગરમાં નાયરા પેટ્રોલ પંપ સામે આવેલા મકાન નંબર-૭માં આ ઘટના બની હતી. મૃતકની ઓળખ પ્રિન્સ પટેલ તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં યુવકને ગળે ટૂંપો આપી ગંભીર ઇજાઓ પહોંચાડ્યા બાદ મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, હત્યાની આ ઘટના આશરે સાત દિવસ પહેલાં બની હોવાનું સામે આવ્યું છે. જાકે, સમગ્ર મામલો હવે પોલીસ સમક્ષ આવતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ઘટના અંગે પરિવારજનો તેમજ સ્થાનિક લોકોમાં પણ ચિંતા અને રોષની લાગણી જાવા મળી રહી છે.
વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ, તકનિકી પુરાવા અને અન્ય માહિતીના આધારે આરોપીની ઓળખ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
હાલ પોલીસ વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે અને હત્યા પાછળનું કારણ તેમજ આરોપીની સંડોવણી અંગે માહિતી મેળવવા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાનો ભેદ ખુલશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.






































