અમદાવાદ, સુરત બાદ હવે ગુજરાતના મહેસાણા જિલ્લામાં પણ રોગચાળાએ માથુ ઉંચક્યું છે. મહેસાણાના ફુદેડા ગામના તલાટીનું ડેન્ગ્યૂથી નિધન થયું છે. ૩૫ વર્ષીય મૌલિકભાઈ દરજીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. નાની ઉંમરમાં બીમારીથી અચાનક દર્દીના નિધનથી લોકોમાં શોકની લાગણી પ્રસરી છે.
સમગ્ર પંથકમાં લોકો દુઃખની લાગણી વ્યક્ત કરી શકે છે. છેલ્લા પાંચેક દિવસથી તેમને તાવ આવતાં સારવાર ચાલી રહી હતી, જે દરમિયાન તેમને ડેન્ગ્યૂ થયું હોવાનું સામે આવ્યું હતું. જ્યારે સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે.
મહત્વનું છેકે, ૩૫ વર્ષીય મૌલિકભાઈ દરજી મૂળ સતલાસણા તાલુકાના ભાલુસણા ગામના વતની છે. જ્યારે છેલ્લા કેટલાક સમયથી ફૂદેડા ગામમાં તલાટી તરીકે ફરજ બજાવતા હતા. મળતી માહિતી અનુસાર, ગત ૧ નવેમ્બરના રોજ તાવ આવતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમને ડેન્ગ્યૂ થયો હોવાની જાણ થતાં તેનું નિદાન કરવામાં આવ્યું હતું. સારવાર દરમિયાન ફેફસામાં પાણી ભરાઈ જતા શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. જ્યારે શ્વાસ લેવામાં તકલીફ થતાં સોમવારે મોડી રાત્રે મૌલિકભાઈ દરજીનું નિધન થયું હતું.
ડેન્ગ્યુ બાદ હવે ચિકનગુનિયાનો કહેર. અમદાવાદમાં સતત વકરી રહ્યો છે રોગચાળો. અમદાવાદ અસારવા સિવિલના સુપ્રીટેન્ડન્ટ ડો.રાકેશ જાશીએ જણાવ્યુંકે, સપ્ટેમ્બર મહિનાની સરખામણીએ ઓક્ટોબર મહિનાના ચીકનગુનિયાના વધુ કેસ નોંધાયા છે. ઓક્ટોબર મહિનામાં ચિકનગુનિયાના ૮૦ કેસ નોંધાયા. નવેમ્બર મહિનાના પ્રથમ ૫ દિવસમાં પણ બે કેસ નોંધાયા. આ સાથે બદલાતી ઋતુ સાથે લોકોમાં એલર્જીના કેસ વધ્યાનું કહેવાયું છે. દિવાળીના સમયે પણ સિવિલ હોસ્પિટલમાં ૧૨૦૦-૧૩૦૦ ઓપીડી નોંધાઈ.