મહેસાણાના કડીમાં રેશનિંગનું અનાજ બારોબાર સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. અંબિકા ઇન્ડસ્ટ્રીઝ અને યોગેશ્વર ટ્રેડિંગમાંથી રેશનિંગનું અનાજ ઝડપાયું હતું. રણછોડરાય ગોડાઉનમાં પણ રેશનિંગનો જથ્થો પકડાયો હતો.બે મહિના અગાઉ ત્રણ સ્થળે અનાજનો જથ્થો ઝડપાયો હતો. સરકારી અનાજનો ગેરકાયદેસરનો જથ્થો ઝડપાયો હતો. કડી મામલતદારે ત્રણ માલિકો સામે ગુના નોંધ્યા હતા. તમામ ગોડાઉન માલિકો સામે કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
મહેસાણા જિલ્લામાં સરકારી અનાજનું કૌભાંડ જાણે સામાન્ય બાબત બની ગઈ હોય તેમ છેલ્લા ૧૫ દિવસમાં પુરવઠા વિભાગના દરોડામાં ત્રણ સ્થળોએ લાખો રૂપિયાનો શંકાસ્પદ સરકારી અનાજ મળી આવ્યો છે. પંદર દિવસ પહેલા ૧૬ જુલાઇના રોજ મહેસાણાના કડીમાં એક જ જગ્યાએ ત્રણ ગોદામોમાંથી ૩૮ લાખ રૂપિયાની કિંમતના સરકારી અનાજ, ચોખા અને ઘઉંનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો.
ગયા રવિવારે (૪ ઓગસ્ટ) સતલાસણામાં દરોડા દરમિયાન પુરવઠા વિભાગને ૨૨ લાખ રૂપિયાના સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. પુરવઠા વિભાગે શ્રેણીબદ્ધ દરોડા પાડીને ૧૫ દિવસમાં ત્રીજા સ્થાનેથી ૪૮ લાખ રૂપિયાના શંકાસ્પદ સરકારી ચોખા જપ્ત કર્યા છે.
મહેસાણા જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસમાં ત્રણ અલગ-અલગ જગ્યાએથી લાખો રૂપિયાનો શંકાસ્પદ સરકારી અનાજ મળી આવતા ત્રીજી કાર્યવાહીમાં કડીમાંથી મેળવેલ ચોખાનો જથ્થો વિદેશમાં મોકલવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે.
પુરવઠા વિભાગની પ્રાથમિક તપાસ દરમિયાન સ્થળ પરથી પેકિંગ મળી આવ્યું હતું જેના પર પોર્ટુગીઝ ભાષા છપાયેલી હતી. પેકિંગ પરથી પુરવઠા વિભાગનો અંદાજ છે કે આ જથ્થો પોર્ટુગલ મોકલવામાં આવશે. બીજા શબ્દોમાં કહીએ તો એમ કહી શકાય કે ગરીબોના પેટ સુધી પહોંચવા માટેનું સસ્તું સરકારી અનાજ અમીરોના ઘર મારફતે વિદેશમાં પહોંચતું હતું અને અનાજ માફિયાઓ બમણા ભાવે વેચીને પૈસા કમાઈ રહ્યા હતા.