સાવરકુંડલા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની સક્રિય રજૂઆતના પરિણામે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા તાલુકાના વિવિધ ગ્રામ્ય માર્ગો માટે કુલ રૂ.૩.૫૫ કરોડના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી સાવરકુંડલા સહિત લીલીયા અને ગારીયાધાર તાલુકાના અનેક ગામોને સીધો લાભ મળશે. મંજૂર થયેલા કામોમાં મુખ્યત્વે રામગઢ-જાબાળ રોડ માટે રૂ.૧.૨૫ કરોડ, નવાગામ-જાંબુડા રોડ માટે રૂ.૮૦ લાખ અને પીયાવા-ખાલપર રોડ માટે રૂ.૧.૫૦ કરોડનો સમાવેશ થાય છે. ધારાસભ્ય મહેશ કસવાલાએ આ જનહિતલક્ષી કામોને ત્વરિત મંજૂરી આપવા બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.









































