ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એ મહિલા ટી૨૦ વર્લ્ડ કપનું શેડ્યુલ જાહેર કરી દીધું છે. આ વખતે મહિલા ટી૨૦ વર્લ્ડ કપ બાંગ્લાદેશમાં રમાવાનો છે. આ વર્લ્ડ કપમાં શરૂઆતી મુકાબલો ૩ ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. ત્યારે છ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમ પોતાની મેચની શરૂઆત ક્વોલિફાયર-૧ સામે કરશે.
ભારતને ગ્રૂપ-એમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને ક્વોલિફાયર-૧ સાથે રખાયું છે. ત્યારે ગ્રૂપ-બીમાં સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટઈન્ડીઝ, બાંગ્લાદેશ અને ક્વોલિફાયર-૨ છે. ઓસ્ટ્રેલિયાએ ગત વર્ષ કેપ ટાઉનમાં યજમાન સાઉથ આફ્રિકાને હરાવીને રેકોર્ડ છઠ્ઠી વખત ખિતાબ જીત્યો હતો. ભારતીય ટીમનું શ્રેષ્ઠ પ્રદર્શન ૨૦૨૦માં રહ્યું હતું, જ્યારે તે ફાઈનલ સુધી પહોંચવામાં સફળ રહી હતી.
ભારતીય મહિલા ટીમ પોતાનો પહેલો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે ૪ ઓક્ટોબરે સિલહટમાં રમશે. ત્યારે ૬ ઓક્ટોબરે તેમનો સામનો પાકિસ્તાન સાથે થશે. પછી ૯ ઓક્ટોબરે તે ક્વોલફાયર-૧ સાથે ટકરાશે. ભારતની છેલ્લી ગ્રૂપ મેચ ૧૩ ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સાથે થશે. ભારતીય ટીમ પોતાની તમામ ગ્રૂપ મેચ સિલહટમાં રમશે.
મહિલા ્‌૨૦ વર્લ્ડ કપ શેડ્યૂલ
૪ ઓક્ટોબરઃ ભારત vs ન્યુઝીલેન્ડ, સિલહટ
૬ ઓક્ટોબરઃ ભારત vsપાકિસ્તાન, સિલહટ
૯ ઓક્ટોબરઃ ભારત vs ક્વોલિફાયર-૧, સિલહટ
૧૩ આૅક્ટોબરઃ ભારત vs આૅસ્ટ્રેલિયા, સિલહટ
૧૭ ઓક્ટોબરઃ પ્રથમ સેમિફાઇનલ, સિલહટ
૧૮ ઓક્ટોબરઃ બીજી સેમિફાઇનલ, ઢાકા
૨૦ ઓક્ટોબરઃ ફાઈનલ, ઢાકા
જણાવી દઈએ કે, આ ટૂર્નામેન્ટમાં દરેક ટીમ ચાર-ચાર ગ્રૂપ મેચ રમશે. ત્યારબાદ બંને ગ્રૂપથી ટોપ ૨ ટીમો સેમીફાઇનલમાં પહોંચશે. સેમીફાઈનલ મેચ ૧૭ અને ૧૮ ઓક્ટોબરે રમાશે. તો ફાઇનલ મેચ ૨૦ ઓક્ટોબરે ઢાકામાં રમાશે. કુલ મળીને ૧૯ દિવસોમાં ૨૩ મેચ રમાશે, જે ઢાકા અને સિલહટમાં હશે. સેમીફાઈનલ અને ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે પણ રહેશે.