અમરેલી ભાવનગરવાળી બસમાં સર્વ કોઇ પેસેન્જરો પોત-પોતાની રીતે મનોમન અલગ અલગ રીતે પ્રવૃતમય હતાં. કોઇ બારી બહાર કુદરતી સૌંદર્ય, ઝાડ, પર્વત, નદી, ઝરણા, લીલોતરીના રસપાનથી આંખોમાં નજરપાન કરી કંઇક આનંદ અનુભવતા હતાં. કોઇ નિંદ્રાધીન સોનેરી રૂપેરી સ્વપ્ના કાગ નિંદરે માણી રહ્યા હતાં. કોઇ છાપા, સામયિકના આછા ઉપરછલ્લા, તલસ્પર્શી વાંચનમાં ડૂબેલા હતાં.
હનુભાના લીમડે બસ સ્ટોપ થઇ. એક બાપા ચોરણી કેડિયું, પનિયામાં સજ્જ હાથમાં ઘીની બરણી, લાકડી સાથે બસમાં પ્રવેશ્યા, બોલો દાદા, કયાંની ટિકિટ આપુ ? મહિલા કન્ડકટર બહેન ટિકિટ કમ્પ્યુટર કાપલી તરફ દ્રષ્ટિ કરતાં બોલ્યા…“એક ભાવનગરની દે” ખિસ્સુ ફંફોળતા
બાપા બોલ્યા…ઘીની બરણી નીચે મૂકી ખિસ્સામાંથી પાકીટ કાઢી રૂ.૧૦૦ની નોટ આપતા બોલ્યા…‘દાદા બરણીમાં શું છે ?’ મહિલા બોલી… “બરણીમાં ઘી છે બેટા.” ટિકિટ લઇ દાદા સીટમાં બેઠા.
દસેક કિ.મી. બસ ચાલ્યા પછી કેશબેગ તપાસતાં કન્ડકટર બોલ્યા “બાપા શું દુઝણું છે?” “બે ભેંસ અને ચાર ગાય દુઝે છે.” “તો દાદા હું અહિં બસમાં દરરોજ નીકળુ છું તો મને દરરોજ એક લિટર ભેસનું દૂધ આપશો ?” ‘હા પણ દૂધનો ભાવ લિટરના રૂ.પ૦ છે હો.’ ‘હા બાપા તેનો હિસાબ દર મહિને સમજી લેશું અને હા હું છાશની બરણી પણ આપું તો થોડી છાશ હાર્યે આપશોને ?’ ‘હા..હા… અમારે ગામડા ગામમાં ઘરે ઘરે દૂઝાણા હોય એટલે છાશ તો વધતી જ હોય… ભલે તમે બસનો સમય કહો તે સમયે હું બસ સ્ટેન્ડે ઉભો રહીને તમને અંબાવતો રહીશ.’ માથાનું ફાળિયું સરખુ કરતાં દાદા બોલ્યા.
આંબલાનું સ્ટેન્ડ આવતા બસ ઉભી રહી. એક ભાઇ અને દંપતી કેટલાંક લબાચા, પોટકું, થેલા સાથે અંદર આવ્યા. ‘ભાઇ તમારો સામાન સીટમાં આગળ પાછળ નીચે ગોઠવી દ્યો… પાછળ જાવ.’ બેલ વાગતા બસે ગતિ પકડી ‘બોલો ટિકિટ ?’ પેલા દંપતીમાંથી ભાઇએ બે ટિકિટ માંગી. લગેજ ચાર્જ અને ટિકિટ આપતા કન્ડકટરે કહ્યું ‘બીજુ કાંઇ જાખમ તો અંદર નથી ને ?’ પેલા ભાઇ ટિકિટ લઇ વચ્ચે પાઇપ પકડી ઉભા રહ્યાં.
સોનગઢ આવતાં વિદ્યાર્થીઓ, પેસેન્જરોની ગિરદી જાતા કન્ડકટરે કહ્યું ‘પહેલા બૈરા છોકરાને ચડવા દ્યો. ભાઇઓ લાઇનમાં ઉભા રહી વારા ફરતી અંદર આવજા’ બધા બસમાં પ્રવેશ્યા એક ભાઇ નીચે ઉતર્યા એટલે આંબલાથી બસમાં પાઇપ પકડી ઉભેલા ખાલી પડેલી સીટ પર બેઠા…કોઠી જેવા એક ભાઇ વચ્ચે ઉભેલા. ‘એ ભાઇ ધક્કો તો મારો મા’ આવીને એક બહેને કહ્યું. તમને કોઇ ધકકો નથી મારતું.
સિહોર આવતા બસ સ્ટેન્ડના પરિસરમાં બસ સ્ટોપ થઇ. ત્યાં ચેકીંગ આવ્યું. ત્રણ ચેકર કર્મચારી બસ દરવાજે ઉભા. મહિલા કન્ડકટર પાસેથી ટિકિટ કમ્પ્યુટર મશીન માંગ્યું બહેનને નીચે ઉતરવા કહ્યું. કોઇ પેસેન્જર ચડે ઉતરે નહીંનું સૂચન થયું. દરેક પેસેન્જરોને ટિકિટો કાઢી રાખવા કહ્યું. ટિકિટ તપાસવાનું શરૂ થયું. એક ભાઇ પાસે ટિકિટ માંગતા ખિસ્સા ફંફોળવા લાગ્યા. નિરાંતે ટિકિટ શોધો અમે આગળ તપાસીએ છીએ. બે ચાર ટિકિટ તપાસી પેલા ભાઇને પાકીટમાંથી ટિકિટ જડી જતાં બતાવી. આગળ ચેકીંગ ચાલુ રહ્યું. એક ભાઇની ટિકિટ તપાસતા કહ્યું ‘કયાંથી બેઠા ?’ ‘સોનગઢથી બેઠો સાહેબ.’ ‘પણ ટિકિટ તો આંબલાની છે.’ ‘સાહેબ આંબલાથી સોનગઢ સુધી વચ્ચે પાઇપ પકડીને ઉભો રહ્યો અને સીટ ખાલી થતાં સોનગઢથી બેઠો!!!’ બધા પેસેન્જરો હસી પડયા…‘હું એમ કહેવા માગુ છું કે ટિકિટ કયાંથી લીધી ?’ પછી સમાધાન થયું.
મહિલા કન્ડકટરની ઇમાનદારીથી બધુ હેમખેમ પાર ઉતર્યું. ચેકરે ધન્યવાદનું મૌખિક પ્રમાણપત્ર આપ્યું. બસને આગળ હંકારવા સંમતિ મળતાં બસ સિહોરથી રવાના થઇ.
ભાવનગરના અલગ અલગ બસ સ્ટોપે પેસેન્જરો ઉતર્યા. બસ ડેપોએ બસ ઉભી રહી. બધા પેસેન્જરો નીચે ઉતર્યા. કંડક્ટરે દરેક સીટો, અભેરાઇ તપાસી. એક સીટ નીચે પાણીની બોટલ અને બે જાડય કપડાવાળો થેલો માલૂમ પડયો તે ઓફિસમાં જમા કરાવ્યો પછી ભાડાની આવેલી ઝણસ અને કમ્પ્યુટર મશીન જમા કરાવ્યાં.
મહિલા કન્ડકટરે ઇમાનદારીથી પોતાની ફરજ અદા કરી આજનો દિવસ હેમખેમ પાર ઉતરતાં નિરાંત, શાંતિ અનુભવી.