રાજુલા-જૂનાગઢ રૂટની એસટી બસનાં મહિલા કંડક્ટર દ્વારા વિદ્યાર્થિનીઓ સાથે કરવામાં આવેલ ગેરવર્તણૂંક અને વિદ્યાર્થીઓ દ્વારા શાળાને કરેલી ફરિયાદ સંદર્ભે ખાંભાની જે.એન.મહેતા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા એસટી ડેપો મેનેજર રાજુલાને પત્ર પાઠવી મહિલા કંડક્ટર સામે પગલા ભરવા રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, રાજુલા ડેપોમાંથી વહેલી સવારે ઉપડતી રાજુલા-જૂનાગઢ રૂટની એસટી બસના કંડક્ટર દ્વારા તા.૯ના રોજ ભાવરડી ગામેથી અમારી શાળામાં અભ્યાસ અર્થે આવતી વિદ્યાર્થિની બહેનોને બસમાં ચડવા ન દેવી તથા ધક્કા મારીને વિદ્યાર્થિની બહેનને કોણીમાં ઈજા પહોંચાડી ઉતારી દેવાઈ હતી. તથા અવિવેકી ભાષા પ્રયોગ કરી અભદ્ર વર્તન કરેલ તેમજ વિદ્યાર્થિનીઓના કહ્યા મુજબ રસ્તામાં અડધો કલાક જેવી બસ રોકી રાખી અને શાળાએ પહોંચવામાં મોડુ કરાવ્યું હતું. જે બાબતે કંડક્ટર સામે કાર્યવાહી કરવા પત્રના અંતે જણાવાયું છે.