થાણે પોલીસના સાયબર સેલે મહિલાઓ સાથે છેતરપિંડી કરવાના આરોપસર ભોજપુરી ફિલ્મ નિર્માતા અને લેખકની ધરપકડ કરી છે. એવો આરોપ છે કે તેણે મેટ્રિમોનિયલ વેબસાઇટ દ્વારા મહિલાઓને લગ્નનું વચન આપીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી. પોલીસે આ કેસમાં ફિલ્મ નિર્માતા એજાઝ અહેમદ ઉર્ફે ફહાદ (૩૨) અને તેના સાથી સલૂન માલિક ઝૈદ ખાન (૨૫)ની ધરપકડ કરી છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓએ ૩૦ થી વધુ મહિલાઓ સાથે ૧ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ફહાદ લખનૌમાં એક નકલી કોલ સેન્ટર ચલાવતો હતો, જેના દ્વારા તે મહિલાઓને ફસાવતો હતો. આ માટે, તે નગ્ન અને અશ્લીલ વીડિયો બનાવીને તેમનું શોષણ કરતો હતો. તેણે છેતરપિંડી માટે ચેટિંગ વેબસાઇટનો ઉપયોગ કર્યો. પોલીસે ફહાદ પાસેથી ૯ લેપટોપ, મોબાઇલ, સિમ કાર્ડ અને રાઉટર જપ્ત કર્યા છે. ફહાદને ૨૨ જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે, જ્યારે ઝૈદ ખાનને થાણે સેન્ટ્રલ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
૧૦ ઓક્ટોબર, ૨૦૨૪ ના રોજ એક પીડિતાએ મુમ્બ્રા પોલીસમાં ૧૩.૫૪ લાખ રૂપિયાની છેતરપિંડીનો કેસ નોંધાવ્યો ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો. પોલીસે મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, આઈપી એડ્રેસ અને બેંક એકાઉન્ટ તપાસ્યા, જેના પછી જાણવા મળ્યું કે પૈસા ઝૈદ ખાનના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તપાસ બાદ, પોલીસે ૯ જાન્યુઆરીએ ઝૈદની ધરપકડ કરી અને તેણે ફહાદ વિશે માહિતી આપી, જેના પગલે ફહાદની લખનૌથી ધરપકડ કરવામાં આવી.
પોલીસના જણાવ્યા અનુસાર, ફહાદે સાયબર છેતરપિંડીમાંથી કમાયેલા પૈસાનો ઉપયોગ ભોજપુરી ફિલ્મો બનાવવા માટે કર્યો હતો. તેમણે ‘તારકીબ’ નામની ફિલ્મ બનાવી જેમાં પ્રખ્યાત ગાયકો ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકે ગીતો ગાયા હતા. આ ફિલ્મનું શૂટિંગ ઉત્તર પ્રદેશના જૌનપુરમાં થયું હતું. આ સિવાય ફહાદે ઘણી ભોજપુરી ફિલ્મો બનાવી હતી. પોલીસ હવે તેના ફિલ્મી કનેક્શનની તપાસ કરી રહી છે જેથી તે આ છેતરપિંડીના ધંધામાં કેટલી હદ સુધી સંડોવાયેલો હતો તે જાણી શકાય.
ફહાદ લખનૌના કૃષ્ણા વિહાર કોલોનીમાં ૨૫૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં કોલ સેન્ટર ચલાવતો હતો. પોલીસે ફહાદનો મોબાઇલ સર્વેલન્સ પર રાખ્યો અને તેની ગતિવિધિઓ પર નજર રાખી. કોઈને શંકા ન થાય તે માટે, પોલીસ ટીમે સ્થાનિક લોકોની જેમ પોશાક પહેર્યો અને ચાની દુકાન ચલાવતા એક વ્યÂક્તની મદદ લીધી. પોલીસને સંકેત મળતાં જ તેમણે કોલ સેન્ટર પર દરોડો પાડ્યો. જાકે, ફહાદે ભાગવાનો પ્રયાસ કર્યો અને લખનૌ-બારાબંકી હાઇવે પર કારમાં ભાગી ગયો, પરંતુ પોલીસે તેનો પીછો કર્યો અને લગભગ પાંચ-છ કિલોમીટર પછી તેને પકડી લીધો.
ફહાદે મેટ્રિમોનિયલ વેબસાઇટ પર મહિલાઓનો સંપર્ક કરવા માટે તેના પાર્ટનર ઝૈદ ખાનની પ્રોફાઇલ અને બેંક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. તે નકલી પ્રોફાઇલ બનાવીને મહિલાઓને લગ્નના પ્રસ્તાવ મોકલતો હતો અને પછી તેના વિદેશ પ્રવાસો અને મોંઘી ભેટો મોકલવાની વાત કરતો હતો. ત્યારબાદ તે મહિલાઓ પાસેથી પૈસા લેતો, અને કહેતો કે તેમની ભેટો કસ્ટમ અને અન્ય સરકારી વિભાગો દ્વારા જપ્ત કરવામાં આવી છે અને તેના પર ડ્યુટી ચૂકવવાની જરૂર છે.