જ્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સત્તા સંભાળી છે ત્યારથી દેશમાં મહિલાઓ વિરુદ્ધ અત્યાચાર વધ્યા છે અને તેમના મૂળભૂત અધિકારોનું હનન થયું છે. તાલિબાની સરકારે શાળાકીય શિક્ષણ અને નોકરીઓને લઈને મહિલાઓ અને છોકરીઓ સામે ઘણા તુઘલકી હુકમો જારી કર્યા છે. હવે તાલિબાને વધુ એક વિચિત્ર હુકમ જારી કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે મહિલાઓને લાંબા અંતરની મુસાફરી કરવાની મંજૂરી ત્યારે જ આપવામાં આવશે જા તેમની સાથે નજીકના પુરૂષ સંબંધી હાજર હોય. એટલે કે હવે અફઘાનિસ્તાનમાં મહિલાઓ પોતાની રીતે ટ્રાવેલ પણ નહીં કરી શકે.

અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકારના પ્રવક્તા સાદિક કીફ મુહાજિરે એજન્સી ઓફ ફ્રાન્સ પ્રેસને જણાવ્યું કે, જે મહિલાઓ ૭૨ કિમીની મુસાફરી કરવા માગે છે, જા તેમની સાથે કોઈ નજીકના પુરૂષ સગા ન હોય, તો તેમને મુસાફરી કરવાની મંજૂરી ન મળવી જાઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મહિલા સાથે પુરુષનું હોવું ખૂબ જ જરૂરી છે.

તો સોશિયલ મીડિયા પર ચર્ચિત બનેલા અન્ય એક આદેશ અનુસાર, અફઘાનિસ્તાનમાં નાગરિકોના તેમના વાહનોમાં સંગીત વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પહેલા અફઘાનિસ્તાનના મંત્રાલયે ટીવી ચેનલોને મહિલા કલાકારોને લગતા નાટકો અને સિરિયલો ન બતાવવાનું કહ્યું હતું. સાથે જ ન્યૂઝ ચેનલની મહિલા પત્રકારોને હિજાબ પહેરીને એન્કરિંગ કરવા માટે કહેવામાં આવ્યું હતું. તો તાલિબાન સરકારના પ્રવક્તા મુહાજિરે કહ્યું કે હિજાબ એક ઇસ્લામિક પ્રથા છે અને મહિલાઓએ મુસાફરી દરમિયાન પણ હિજાબ પહેરવું પડશે.

અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકારના આ ફરમાનથી માનવાધિકાર સંગઠનો ભારે નારાજ છે. મહિલા અધિકારો સાથે સંકળાયેલી કાર્યકર્તા હીથર બરારે કહ્યું કે આ નવો આદેશ મહિલાઓને કેદમાં રાખવાની દિશામાં વધુ એક નવું પગલું છે. આ આદેશથી મહિલાઓની મુક્તપણે હરવા-ફરવાની, રોજગાર માટે મુસાફરી કરવાની અને અન્ય શહેરોમાં મુસાફરી કરવાની સ્વતંત્રતા પર રોક લાગશે.અમેરિકી સેનાના અફઘાનિસ્તાન છોડ્યા બાદ આ વર્ષે ૧૫ ઓગસ્ટે તાલિબાને દેશ પર કબજા મેળવી લીધો હતો. ત્યારથી તાલિબાન સરકારે મહિલાઓ પાસેથી રોજગારની તકો છીનવી લીધી અને ઘણી †ીઓના નોકરી કરવા પર પ્રતિબંધ મૂક્યો. તો મોટી સંખ્યામાં શાળાઓમાંથી છોકરીઓના નામ પણ કાઢી નાખવામાં આવ્યા હતા.