ખાંભામાં એક મહિલાએ દીકરીઓની છેડતી કરવાની ના પાડતાં તેને નખ મારી પછાડી દેવામાં આવી હતી. આ સમયે તેનો પતિ આવી જતાં તેની સાથે પણ મારકૂટ કરી હતી અને જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે મેપાભાઈ હરજીભાઈ પરમાર (ઉ.વ.૫૩)એ રોહીતભાઈ માવજીભાઈ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમની પત્ની તથા તેમની બન્ને દીકરીઓ ડેડાણ-નવા માલકનેશ રોડે પતર માળાની નદીના પુલ પર ઉભા હતા. તે વખતે આરોપીએ તેનું ટુ-વ્હીલ લઇ તેમની પાસે જઇ બન્ને દીકરીઓની છેડતી કરતા તેમની પત્નીએ તેને છેડતી કરવાની ના પાડી હતી. જેથી આરોપીએ તેના જમણા હાથ ઉપર નખ મારી ધક્કો મારી પછાડી દીધી હતી. તે વખતે તેઓ આવી જતા તેમની સાથે માથાકૂટ કરી લોખંડના પાઇપથી માર માર્યો હતો. તેમજ જેમ-ફાવે તેમ બિભત્સ શબ્દોમાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી એસસી એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક એન.બી. ગોરડીયા વધુ તપાસ કરી રહ્યા છે.







































