મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ પહેલા એનસીપીને મોટો આંચકો લાગ્યો છે. શુક્રવારે રાત્રે, અજિત પવાર જૂથના નેતૃત્વ હેઠળના એનસીપી નેતા સચિન કુર્મીની મુંબઈમાં કેટલાક લોકોએ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સચિનને હોસ્પિટલ લઈ ગઈ, પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું. હાલ પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મુંબઈ પોલીસે જણાવ્યું કે મુંબઈના ભાયખલા વિસ્તારમાં મ્હાડા કોલોની પાછળ કુર્મી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસે જણાવ્યું કે આ ઘટના લગભગ મધરાતે ૧૨.૩૦ વાગ્યે બની હતી. પોલીસને ઘટનાની જાણકારી મળતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને ઘાયલ સચિનને જેજે હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તપાસ બાદ સચિનને મૃત જાહેર કર્યો.
આ મામલે પોલીસે અજાણ્યા લોકો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. જા કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે સચિન પર હુમલો કોણે કર્યો? પોલીસના જણાવ્યા અનુસાર હુમલામાં ૨-૩ લોકો સામેલ હતા. આ ઘટનાથી સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે. મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.