મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શરદ પવાર પરિવાર સહિત અનેક રાજકીય પરિવારોના સભ્યો એકબીજાની વિરુદ્ધ હતા. કેટલાક ચૂંટણી જીત્યા અને કેટલાક પોતાના જ લોકો દ્વારા હાર્યા. શરદ પવારના ભત્રીજા અજિત પવાર બારામતીથી તેમના ભત્રીજા સામે ચૂંટણી લડી રહ્યા હતા. તેણે ફરી એકવાર બારામતીમાં મોટી જીત નોંધાવી. અજિત પવારે તેમના મોટા ભાઈના પુત્ર યુગેન્દ્ર પવારને એક લાખથી વધુ મતોથી હરાવ્યા અને આઠમી વખત જીત્યા. તે જ સમયે, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા રાવસાહેબ દાનવેની પુત્રી સંજના જાધવ મરાઠવાડા ક્ષેત્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લાની કન્નડ વિધાનસભા બેઠક પરથી તેના પૂર્વ પતિ સામે ચૂંટણી લડી રહી હતી. સંજનાને તેના છૂટા પડી ગયેલા પતિ હર્ષવર્ધન જાધવ તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડ્યો. જા કે અંતે જીત સંજના જાધવને મળી હતી. સંજનાને ૮૪,૪૯૨ મત મળ્યા અને હર્ષવર્ધનને ૧૮,૨૦૧ મતોના માર્જિનથી હરાવ્યા. સંજનાના ભાઈ સંતોષ રાવસાહેબ દાનવે જાલના જિલ્લામાં ભાજપના ઉમેદવાર તરીકે ભોકરદન બેઠક પરથી જીત્યા હતા.
ગઢચિરોલીના અહેરી મતવિસ્તારના એનસીપી નેતા અને રાજ્ય મંત્રી ધરમ રાવબાબા આત્રામ પોતાની પુત્રી સામે ચૂંટણી લડી રહ્યા હતા. પુત્રી ભાગ્યશ્રી આત્રામ ચૂંટણી હારી ગયા. ધરમરાવબાબાએ ભારે મતોથી સીટ જીતીને પોતાનું રાજકીય વર્ચસ્વ સાબિત કર્યું, જ્યારે ભાગ્યશ્રી ત્રીજા ક્રમે આવી.
નાંદેડના લોહા વિધાનસભા ક્ષેત્રમાં, ભાજપના ભૂતપૂર્વ લોકસભા સભ્ય પ્રતાપ પાટીલ ચિખલીકર એનસીપીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. ચિખલીકરે તેમની બહેન આશાબાઈ શિંદેને હરાવ્યા, જેમણે ખેડૂત અને વર્કર્સ પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી હતી.
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભાની તમામ ૨૮૮ સીટો માટે શનિવારે જાહેર થયેલા પરિણામોમાં ૨૧ મહિલા ઉમેદવારો વિજયી થયા હતા પરંતુ તેમાંથી માત્ર એક જ વિપક્ષી પાર્ટીની છે. ભાજપની ટિકિટ પર સૌથી વધુ ૧૪ મહિલા ઉમેદવારો જીતી છે અને તેમાંથી ૧૦ ફરી ચૂંટાઈ છે.