મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસનો ઘોષણા પત્ર ૬ નવેમ્બરે મુંબઈમાં બહાર પાડવામાં આવશે. આ દરમિયાન કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગે હાજર રહેશે. આ ઉપરાંત એનસીપી (શરદ જૂથ)ના શરદ પવાર અને શિવસેના (યુબીટી)ના ઉદ્ધવ ઠાકરે પણ હાજર રહેશે. એ જ દિવસે નાગપુરમાં બંધારણ બચાવો આંદોલન થશે. રાહુલ ગાંધી અને મલ્લીકાર્જુન ખડગે બપોરે ૧ વાગે તેમાં ભાગ લેશે. ત્યારબાદ સાંજે ૬ વાગ્યે મુંબઈમાં સ્ફછની એક મોટી બેઠક થશે જેમાં ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર સહિત ઘણા નેતાઓ ભાગ લેશે.
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે ૨૦ નવેમ્બરે મતદાન થશે અને ત્રણ દિવસ પછી મતગણતરી કરવામાં આવશે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ૭,૯૯૫ ઉમેદવારોએ ચૂંટણી પંચમાં ૧૦,૯૦૫ નામાંકન દાખલ કર્યા છે.ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ ૪ નવેમ્બર બપોરે ૩ વાગ્યા સુધી છે.
મહા વિકાસ આઘાડી, કોંગ્રેસ ૧૦૩ બેઠકો પર ચૂંટણી લડી રહી છે, જ્યારે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી) ૮૯ બેઠકો પર અને શરદ જૂથની એનસીપી ૮૭ બેઠકો પર ચૂંટણી લડી રહી છે. અન્ય એવીએ સાથી પક્ષોને છ બેઠકો આપવામાં આવી છે, જ્યારે ત્રણ વિધાનસભા બેઠકો પર કોઈ સ્પષ્ટતા નથી.