કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં ભાજપને કાખઘોડીની જરૂર નથી અને તે પોતાની તાકાત પર ચૂંટણી લડશે. તેમણે પાર્ટીના કાર્યકરોને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિપક્ષનો સફાયો સુનિશ્ચિત કરવા હાકલ કરી. પાર્ટીના કાર્યકરોને સંબોધતા અમિત શાહે કહ્યું, “જન સંઘની સ્થાપના થઈ ત્યારથી, અમે હંમેશા અમારા પક્ષના કાર્યને સંગઠનના ખ્યાલ પર આધારિત રાખ્યું છે. અમે હંમેશા અમારી નીતિઓ સિદ્ધાંતો પર ઘડી છે. અમે દેશ અને તેના લોકોના શ્રેષ્ઠ હિતમાં સૌથી મુશ્કેલ લડાઈઓ લડી છે.”દક્ષિણ મુંબઈમાં ચર્ચગેટ સ્ટેશન નજીક મહારાષ્ટ્ર ભાજપની નવી ઓફિસ બિલ્ડીંગનો શિલાન્યાસ કર્યા બાદ પાર્ટીના કાર્યકરોને સંબોધતા અમિત શાહે કહ્યું, “અમે સાબિત કર્યું છે કે પરિવાર સંચાલિત પક્ષોનું રાજકારણ હવે આ દેશમાં ચાલશે નહીં. ફક્ત કામનું રાજકારણ જ દેશને આગળ લઈ જશે. મોદીજી આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એક સરળ ચા વેચનારના પરિવારમાં જન્મેલો બાળક પોતાના સમર્પણ, બલિદાન અને સખત મહેનત દ્વારા ભારતના વડા પ્રધાન બન્યો.”અમિત શાહે કહ્યું કે મહારાષ્ટ્રમાં ભાજપ કાખઘોડી પર નહીં, પણ પોતાની તાકાત પર આગળ વધે છે. કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની “ડબલ-એન્જિન” સરકારનો ઉલ્લેખ કરતા શાહે કહ્યું કે પાર્ટીએ આ વર્ષના અંતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ જીતવી જ જાઈએ. “એટલી મહેનત કરો કે વિપક્ષનો નાશ થાય, અને તેઓ ટેલિસ્કોપમાં પણ દેખાય નહીં,” તેમણે કહ્યું.તેમણે કહ્યું, “મારું માનવું છે કે જે પાર્ટી પોતાના કાર્યમાં લોકશાહીને જાળવી શકતી નથી તે ક્્યારેય દેશના લોકશાહીનું રક્ષણ કરી શકતી નથી. આ બધા વંશવાદી પક્ષો માટે એક મજબૂત સંદેશ છે.” શાહે કહ્યું કે ભાજપ માટે પાર્ટી ઓફિસ એક મંદિર જેવું છે. તેમણે કહ્યું, “અહીંથી જ પાર્ટીના કાર્યક્રમો અને નીતિઓની કલ્પના થાય છે, અને તે પાર્ટીના કાર્યકરો માટે વ્યવહારુ તાલીમ ભૂમિ તરીકે કામ કરે છે.”શાહે કહ્યું કે વિચારધારા આધારિત રાજકારણ અને જન કલ્યાણ જનસંઘના સમયથી ભાજપનું લક્ષણ રહ્યું છે. ૧૯૮૦ માં ભાજપની સ્થાપના થઈ ત્યારથી, ભાજપના નેતાઓએ ૧૮ વર્ષ સુધી દેશનું નેતૃત્વ કર્યું છે, જે ગર્વની વાત છે. શાહે પાર્ટીની સફળતાનો શ્રેય તેના નેતાઓ અને કાર્યકરોની સખત મહેનત, બલિદાન અને પ્રતિબદ્ધતાને આપ્યો. તેમણે કહ્યું કે તેમણે વાવેલા બીજને કારણે ભાજપ વટવૃક્ષ બની ગયું છે.તેમણે કહ્યું કે ભાજપ લોકશાહી સિદ્ધાંતો પર કાર્ય કરે છે અને મહેનતુ અને પ્રદર્શનલક્ષી કાર્યકરો પક્ષના પદાધિકારમાં આગળ વધી શકે છે. તેમણે કહ્યું, “હું બૂથ પ્રમુખ હતો અને રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યો, જ્યારે ગરીબ પરિવારમાંથી આવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની પ્રતિબદ્ધતા અને બલિદાનને કારણે ત્રણ વખત દેશનું નેતૃત્વ કરી શક્યા.”શાહે ૫૫,૦૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલા નવા રાજ્ય ભાજપ કાર્યાલય પર ખુશી વ્યક્ત કરી, જેમાં એક પુસ્તકાલય, મીટિંગ રૂમ, કોન્ફરન્સ હોલ, ૪૦૦ સીટ ધરાવતું ઓડિટોરિયમ અને રાજ્ય ભાજપ પ્રમુખ અને મુખ્યમંત્રી માટે કાર્યાલયોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી યાદ રાખશે કે તેઓ પાર્ટીને કારણે આ પદ પર પહોંચ્યા હતા. શાહે કહ્યું કે પા‹કગ માટે બહુ-સ્તરીય ભોંયરું હશે. તેમણે વધુમાં કહ્યું, “મેં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને કહ્યું છે કે મારા જેવા પાર્ટીના કાર્યકરો માટે રહેવા માટે ત્રણ કે ચાર રૂમ હોવા જાઈએ.”વિપક્ષે નવા રાજ્ય ભાજપ કાર્યાલય માટે જમીન સંપાદન અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. શાહને લખેલા પત્રમાં, શિવસેના (યુબીટી) ના સાંસદ સંજય રાઉતે જમીન સંપાદન પર પ્રશ્ન ઉઠાવ્યો હતો, અને દાવો કર્યો હતો કે જમીન રહેણાંક હેતુઓ માટે અનામત રાખવામાં આવી હતી.