ઇન્ટરનેશનલ ફ્લાઇટથી મુંબઈ પરત આવેલા ૯ વિદેશી નાગરિકો સહિત ૧૦ લોકોનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના શંકાસ્પદ કેસનો આંક વધીને ૨૮ થઈ ગયો છે. આ બધા લોકો ૧૦ નવેમ્બરથી ૨ ડિસેમ્બરની વચ્ચે મુંબઈ એરપોર્ટ પહોંચ્યા હતા.રિપોર્ટ મુજબ શુક્રવારે દિલ્હીના લોક નાયક જય પ્રકાશ નારાયણ હોસ્પિટલમાં ઓમિક્રોન વેરિયન્ટના ૧૨ શંકાસ્પદ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપે જણાવ્યુ હતું કે કોરોના પોઝિટિવ મળી આવેલા ૨૮ લોકોના સેમ્પલ જીનોમ સિક્વેંસિંગ માટે મોકલવામાં આવ્યા છે.રાજેશ ટોપે વધુમાં જણાવ્યુ હતું કે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં વેક્સિન બાબતે મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. ૧૦ થી ૩૦ નવેમ્બરની વચ્ચે ૨૮૬૮ મુસાફરો મુંબઈમાં આવ્યા હતા. તેમાંથી ૪૮૫ મુસાફરોની તપાસ કરવામાં આવી છે. તેમાં ૯ લોકો પોઝિટિવ મળ્યા હતા. આગામી બે દિવસમાં બાકી મુસાફરોના રિપોર્ટ પણ આવી જશે.

દેશમાં ઓમિક્રોનના ભય વચ્ચે મધ્યપ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકની અંદર કોરોનાના ૧૫ નવા કેસ સામે આવ્યા છે. તેમાં ભોપાલમાં સૌથી વધુ ૮ પોઝિટિવ મળી આવ્યા છે. સત્તા છઠ્ઠા દિવસે ભોપાલ મધ્યપ્રદેશમાં નવા કેસ બાબતે પ્રથમ નંબર પર રહ્યું છે. છેલ્લા ૬ દિવસમાં મધ્યપ્રદેશમાં કુલ ૮૮ કેસમાંથી ભોપાલમાં જ ૫૪ કેસ સામે આવ્યા છે. એટલે કે ૬૦% કેસ માત્ર ભોપાલમાં જ મળી રહ્યા છે. જ્યારે બીજા નંબર પર ઈન્દોર છે. ઈન્દોરમાં છેલ્લા ૬ દિવસમાં ૨૨ કેસ નોંધાયા છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહે પણ કોરોનાના વધતાં કેસ બાબતે ચિંતા વ્યક્ત કરી છે.

આંધ્રપ્રદેશની સરકાર વિદેશથી પરત આવેલા ૬૦ લોકોમાથી ૩૦ લોકોને શોધી રહી છે. ઓમિક્રોન વેરિયન્ટના જાખમને ધ્યાનમાં લેતા સરકારે આ લોકોના  ટેસ્ટ કરાવવાનો છે. આફ્રિકાથી આવેલા ૯ લોકો મળીને લગભગ ૬૦ મુસાફરો છેલ્લા ૧૦ દિવસમાં વિશાખાપટ્ટનમ પહોંચ્યા છે. તેમાથી ૩૦ લોકો હજી વિશાખાપટ્ટનમમાં જ રોકાયા છે, જ્યારે બાકોના ૩૦ રાજ્યના જુદા જુદા વિસ્તારમાં જવા માટે નીકળી ગયા છે. તેમાથી કેટલાક લોકો ફોન કાલનો જવાબ પણ આપી રહ્યા નથી, જે બાબતે અધિકારીઓને તેઓ ગુમ થયા હોવાનો ડર સતાવી રહ્યો છે.

કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટની ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે. કર્ણાટકમાં ગુરુવારે ઓમિક્રોનના બે કેસ સામે આવ્યા હતા. આ તરફ રાજસ્થાનમાં પણ ચિંતામાં વધારો થઈ રહ્યો છે. રાજસ્થાનમાં ૭ દિવસ પહેલાં દક્ષિણ આફ્રિકાથી જયપુર આવેલા એક પરિવારના ૪ સભ્ય પોઝિટિવ આવ્યા છે. તેમાં દંપતી સહિત તેમની બે બાળકી (૮ અને ૧૫ વર્ષ) પોઝિટિવ મળી આવી છે. તમામને ઓમિક્રોનથી શંકાસ્પદ માનીને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તેમનાં સેમ્પલ જીનોમ સિક્વેસિંગ માટે મોકલવામાં આવ્યાં છે.ચિંતાની વાત તે છે કે ૨૫ નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલો આ પરિવારે જયપુરમાં ૧૨ સબંધીઓ સાથે મુલાકાત કરી હતી. તેમાંથી ૫ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમાંથી એક ૧૬ વર્ષનો કિશોર પણ છે. હાલ તો બધાને ઓમિક્રોનના શંકાસ્પદ કેસ માનીને બધાને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. બધાના સેમ્પલ જીનીમ સિકવેંસિંગ માટે મોકલી દેવામાં આવ્યા છે. જા એક બાળકને બાદ કરતાં બધાએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે.

બેંગલુરુમાં જે ૪૬ વર્ષના જે ડોક્ટર કોરોના વાઈરસના ઓમિક્રોન વેરિયન્ટ પોઝિટિવ છે, તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. તેના સંપર્કમાં આવેલા પાંચ વ્યક્તિ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ કેસે માત્ર રાજ્યમાં જ નહીં, દેશમાં પણ ચિંતા વધારી છે, કારણ કે કેસ સ્થાનિક વ્યક્તિનો છે.