દેશમાં ઓમિક્રોન વાયરસના વધી રહેલા ખતરા વચ્ચે મહારાષ્ટ્રમાં જ ૨૮ શંકાસ્પદ કેસો હોવાનું બહાર આવતા ફફડાટ સર્જાયો છે. મુંબઈ એરપોર્ટ પર જ ૯ પ્રવાસીઓના કોવિડ ટેસ્ટ પોઝીટીવ આવ્યા હતા જ્યારે અન્ય શહેરોના કેસો સામે આવ્યા છે.
મુંબઈ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું છે કે મુંબઈના ૧૦ પૈકી ૬ શંકાસ્પદોના આરટી-પીસીઆર ટેસ્ટમાં ‘એસ જીન’ માલુમ પડ્યું નથી એટલે મોટાભાગે તેઓને ઓમિક્રોન હોવાની શક્યતા નથી છતાં આ તમામના જીનોમ સીકવન્સીંગ કરવા સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે જે તમામના રિપોર્ટ આવતા અઠવાડિયામાં આવશે.
મુંબઈના ૧૦ સહિત મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના ૨૮ શંકાસ્પદ કેસો છે જે તમામના સેમ્પલ પૂના ખાતેની લેબમાં મોકલવામાં આવ્યા છે. દરમિયાન, મુંબઈ એરપોર્ટે અત્યાર સુધીમાં ૯ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના કોવિડ રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે અને તે તમામના સેમ્પલ જીનોમ સીકવન્સીંગ માટે મોકલવામાં આવ્યા છે. આ નવમાંથી એક પ્રવાસી દક્ષિણ આફ્રિકાનો છે.