મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના નવા મંત્રીમંડળનું વિસ્તરણ રવિવાર, ૧૫ ડિસેમ્બરે થશે. નાગપુરમાં મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. રાજ્યમાં મહાયુતિને પૂર્ણ બહુમતી મળ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે ૫ ડિસેમ્બરે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. અજિત પવાર અને એકનાથ શિંદેએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, પરંતુ મંત્રીમંડળનું વિસ્તરણ અટકી ગયું હતું.
સૂત્રોનું કહેવું છે કે કેબિનેટ વિસ્તરણના પ્રથમ તબક્કામાં મહાગઠબંધનના ૩૩થી ૩૫ મંત્રીઓ શપથ લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવા કેબિનેટમાં ભાજપના ૨૩ ધારાસભ્યો, શિવસેના શિંદે જૂથના ૧૩ ધારાસભ્યો અને એનસીપી જૂથના ૯ ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લે તેવી શક્યતા છે.
મહારાષ્ટ્રમાં મંત્રી પરિષદમાં મુખ્યમંત્રી સહિત વધુમાં વધુ ૪૩ મંત્રીઓ હોઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પાસે ગૃહ અને નાણા જેવા બે મહત્વના ખાતાઓ થવા જઈ રહ્યા છે. દરમિયાન, કેબિનેટની રચનાને લઈને સસ્પેન્સ વચ્ચે, એકનાથ શિંદે સીએમ દેવેન્દ્ર ફડણવીસને મળવા માટે સાગર બંગલો પહોંચ્યા છે.
અગાઉ, ભાજપના મહારાષ્ટÙ એકમના વડા ચંદ્રશેખર બાવનકુલેએ કેબિનેટની રચનાને અંતિમ સ્વરૂપ આપવા માટે ઘણા નેતાઓ સાથે બેઠક યોજી હતી. તેઓ નાયબ મુખ્ય પ્રધાનો શિંદે અને અજિત પવારને અલગ-અલગ મળ્યા અને આ બાબતે ચર્ચા કરી. તેમણે પાર્ટીના અન્ય નેતાઓ સાથે પણ બેઠક યોજી હતી. બીજી તરફ, મહારાષ્ટÙ વિધાનસભાનું શિયાળુ સત્ર ૧૬ ડિસેમ્બરથી શરૂ થશે. આ શિયાળુ સત્ર એક સપ્તાહ સુધી ચાલશે. આ શિયાળુ સત્ર દરમિયાન નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ ગ્રહણ કરવામાં આવશે. આ સાથે સ્પીકર થી ડેપ્યુટી સ્પીકર પદ માટે પણ ચૂંટણી થશે.
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો ૨૩ નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. એ ચૂંટણીમાં મહાયુતિ ફરી સત્તામાં આવી. રાજ્યમાં મહાયુતિએ ૨૮૮માંથી ૨૩૦ બેઠકો જીતી હતી. જેમાં ભાજપે ૧૩૨ બેઠકો, શિવસેનાએ ૫૭ બેઠકો અને પવારની એનસીપીએ ૪૧ બેઠકો જીતી હતી. ત્યારથી એકનાથ શિંદે અને ભાજપ વચ્ચે પ્રથમ સીએમ પદને લઈને ટક્કર ચાલી રહી હતી. પરંતુ બાદમાં દેવેન્દ્ર ફડણવીસને સીએમ બનાવવા પર સહમતિ બની હતી, પરંતુ મંત્રીઓને લઈને હજુ પણ સસ્પેન્સ છે અને હવે કેબિનેટ વિસ્તરણની તારીખ નક્કી કરવામાં આવી છે. આ વિસ્તરણ ૧૫ ડિસેમ્બરે થશે.