શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે મુંબઈ અને મહારાષ્ટ્ર માટે આગામી વિધાનસભા ચૂંટણી મહત્વપૂર્ણ છે. મુંબઈના શિવડીમાં એક ચૂંટણી રેલીને સંબોધતા આદિત્ય ઠાકરેએ ભારતીય જનતા પાર્ટી પર માત્ર ગુજરાતમાં જ મોટું રોકાણ કરવાનો અને મહારાષ્ટ્રના યુવાનોના સપનાઓને ચકનાચૂર કરવાનો આરોપ લગાવ્યો.
તેમણે કહ્યું કે આ ચૂંટણી આપણા જીવનની સૌથી મહત્વપૂર્ણ ચૂંટણી હશે. આ ચૂંટણી અમારું ચૂંટણી ચિન્હ અને પક્ષ પાછું મેળવવા માટે કે ઉદ્ધવ ઠાકરે કે મારા વિશે નથી. મહારાષ્ટ્ર અને મુંબઈ માટે આ ચૂંટણી મહત્વની છે.
આદિત્ય ઠાકરેએ કહ્યું કે મારી સૌથી મોટી યોજના મહારાષ્ટ્રમાં ભાજપ દ્વારા કરવામાં આવતી લૂંટને રોકવાની છે. તેના માટે લડત પણ આપશે. ઠાકરેએ કહ્યું કે જે ઉદ્યોગને ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈથી ગુજરાતમાં ખસેડ્યો. જેના કારણે ૫ લાખ નોકરીઓ છીનવાઈ ગઈ છે. તે ઉદ્યોગને અહીં પાછો લાવવો પડશે.
તેમણે કહ્યું કે અમે પાંચ સંકલ્પો કર્યા છે. અમારો મેનિફેસ્ટો એક વચન છે, અમે તેમાં બધું કહ્યું છે. જ્યાં સુધી પૈસા આપવાની વાત છે, તો વિપક્ષ તે કરી શકતો નથી, તેથી જ તેઓ વારંવાર કહી રહ્યા છે કે આ લોકો આગામી દિવસોમાં લાડલીબહેન યોજનાના પૈસા આપી શકશે નહીં. પરંતુ અમને લાગે છે કે અમે આપી શકીશું, તેથી અમે ૩૦૦૦ રૂપિયા આપવાનું વચન આપ્યું છે.જ્યાં સુધી ભાજપની વાત છે, તે જે કંઈ કરી શકશે નહીં, અમે તે કરીશું. ભાજપ માત્ર લૂંટવું જાણે છે, અમે જનતાની સેવા કરીશું. રાજ ઠાકરેના નિવેદન પર આદિત્ય ઠાકરેએ કહ્યું કે હું ક્યારેય તેમના વિશે વાત કરવા માંગતો નથી, મારી પાસે ગરિમા અને મૂલ્યો છે.
આદિત્ય ઠાકરેએ કહ્યું કે અમે કોઈની સાથે સ્પર્ધામાં નથી. આ વખતે જ્યારે અમારી સરકાર આવશે ત્યારે જે પડકારોનો સામનો કરવો પડશે તે છે લોકોની સમસ્યાઓ, બેરોજગારી, મોંઘવારી. અમે તેની સાથે સ્પર્ધા કરવા જઈ રહ્યા છીએ. અમે છેલ્લા ૫ વર્ષમાં ઘણું કામ કર્યું છે. જે અધૂરું રહી ગયું હતું તે કામ પૂર્ણ કરવા અમે ફરીથી અહીં આવ્યા છીએ અને તે પૂર્ણ કરીશું.
ઠાકરેએ કહ્યું કે જે કામ બીજેપી અને સીએમ એકનાથ શિંદે નથી કરી શકતા તે અમે પૂર્ણ કરીશું. એકનાથ શિંદે અને ભાજપે મહારાષ્ટ્રને લૂંટી લીધું છે. મહારાષ્ટ્ર તેમને ક્યારેય સ્વીકારશે નહીં. તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં ધારાવી પણ એક મુદ્દો છે. અદાણી ધારાવીના નામે લોકોને લૂંટી રહ્યા છે, અમે તેમને રોકીશું અને તેમને જાઈતા મકાનો આપીશું.