(એ.આર.એલ),મુંબઇ,તા.૭
મહારાષ્ટમાં છેલ્લા ઘણા સમયથી લાડકી બહિણ યોજનાની બોલબાલા છે. આ જ સ્કીમને લઈને સીએમ શિંદે અને અજિત પવારની પાર્ટી વચ્ચે જારદાર લડાઈ થઈ રહી છે. એમ કહી શકાય કે આ લાડકી બહેન પાર્ટીમાં ફૂટ પડાવી રહી છે.
લાડકી બહિણ યોજનાની ઠેરઠેર જાહેરાતના પોસ્ટર લગાડવામાં આવી રહ્યા છે. આ પોસ્ટરમાંથી એકનાથ શિંદેનો ફોટો જ ગાયબ કરી નાખવામાં આવ્યો છે. આ જ કારણોસર શિવસેનાના એક મંત્રીએ અજિત પવાર જૂથ પર પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે. હવે, આ યોજનાનો શ્રેય લેવાની સ્પર્ધા બાદ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રચાર માટે એસઓપી લાવવી પડી છે.
વાસ્તવમાં, રાજ્યમાં લાડકી બહિણ યોજનાને લઈને સીએમ શિંદે અને અજિત પવારની પાર્ટી વચ્ચે હવે તકરાર શરૂ થઈ ગઈ છે. અત્યારે જ થોડા દિવસો પહેલા લાડકી બહિણ યોજનાના મંડાણ થયા છે. આ સ્કીમ શરૂ થયા બાદ એનસીપીએ ઘણા શહેરોમાં અજીત દાદા લાડકી બહિણ યોજનાના નામે પોસ્ટર છપાવીને લગાડ્યા છે. વળી એવું પણ સામે આવ્યું છે કે બારામતીમાં પણ આ યોજનાના પોસ્ટર લગાડવામાં આવ્યા છે. પણ આ પોસ્ટરમાં ક્યાંય અજીત પવારનું નામ ન હતું, જેના કારણે રાજકારણ ગરમાયું હતું.
તમને જણાવી દઈએ કે જ્યારે કેબિનેટની બેઠક કરવામાં આવી હતી ત્યારે શિવસેનાના મંત્રી શંભુરાજ દેસાઈએ એનસીપીનો ઉધડો લીધો હતો. પોસ્ટરમાંથી મુખ્યમંત્રીનું નામ ગાયબ હોવા પણ એનસીપીને સવાલ કર્યો હતો. આ બેઠકમાં દેસાઈએ કહ્યું હતું કે જ્યારે તેમની પાર્ટી પ્રચાર કરે છે ત્યારે તેમાં બંને નાયબ મુખ્ય પ્રધાનોના નામનો ઉલ્લેખ કરવામાં આવે છે, પરંતુ જ્યારે એનસીપીનો વારો આવ્યો ત્યારે તેમણે મુખ્યમંત્રીનો શબ્દ જ ફગાવી નાખ્યો છે.
નાણાંમંત્રી અજિત પવારે કે ગયા મહિને તેમની પાર્ટીની ર્જન સન્માન યાર્ત્રા નામે ઝુંબેશ શરૂ કરી હતી. આ ઝુંબેશ દરમિયાન ઉપયોગમાં લેવાતી પ્રમોશનલ સામગ્રીમાં પૂરા નામ ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના’ને બદલે ‘માઝી લાડકી બહિણ’ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો.
હવે જ્યારે મામલો ગરમાયો છે ત્યારે વિપક્ષને તક મળી ગઈ છે. અજિત પવારની બહેન અને શરદ જૂથના નેતા સુપ્રિયા સુળેએ જણાવ્યું હતું કે લાડકી બહિણ યોજનાનો શ્રેય લેવા અંગે મહાયુતિના સાથી પક્ષો વચ્ચેનો સંઘર્ષ દુર્ભાગ્યપૂર્ણ છે. આનાથી સરકારના અસલી ઈરાદા છતી થઈ ગયા છે. સુપ્રિયા સુળેએ તો એમ પણ કહ્યું હતું કે આ કેટલું દુર્ભાગ્યપૂર્ણ છે કે મહેનતુ અને સ્વાભિમાની મહિલાઓને આ રીતે ગેરમાર્ગે દોરવામાં આવે છે. મંત્રીઓ શ્રેય લેવા માટે લેવા માટે એકબીજા સાથે લડી રહ્યા છે. આ ભાઈ-બહેનના સંબંધોનું અપમાન કહેવાય.