ભુજના વાગડના રાપર પંથકમાં આવેલા મહાદેવના મંદિરમાં અસામાજિક તત્વો દ્વારા અમુક મૂર્તિઓ ખંડિત કરાઈ હોવાનું જણાતા સમગ્ર વાગડ વિસ્તારમાં રોષ જાવા મળ્યો હતો. પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે પણ તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓને પકડી પાડયા હતા. પોલીસ મુજબ આ આરોપીઓને નશાની હાલતમાં દર્શન કરવા જતા મૂર્તિઓ આડી આવી હતી જેથી તેમણે મૂર્તિઓને તોડી પાડી હતી.
મંદિરમાં મૂર્તિઓ ખંડિત થઈ હોવાનું બનાવ બનતા સ્થાનિક તેમજ સમગ્ર વાગડ વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. અનેક લોકોના આસ્થાનું કેન્દ્ર એવા ત્રંબૌ ગામના કલ્યાણેશ્વર મહાદેવના મંદિરે
નંદી મહારાજ અને બે સંતની મૂર્તિઓ ખંડિત હાલતમાં મળી આવતા લોકોએ રોષમાં પોલીસ મથકે જાણ કરી હતી.
ઘટનાની સંવેદનશીલતાને સમજી પોલીસે પણ ઘટનાસ્થળે દોડી જઇ તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ બે લોકોને પકડી પાડ્યા હતા. બાતમીના આધારે પોલીસે નાનક રવા અને અમરશી ભચુભાઈની અટક કરી તેમની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમ્યાન બન્ને ઈસમોએ કબૂલ્યો હતો કે નશાની હાલતમાં તેમણે આ ગુનો આચાર્યો હતો.
ઇન્સ્પેકટર વી. કે. ગઢવીએ જણાવ્યું હતું કે બન્ને મિત્રો નશાની હાલતમાં મહાદેવના દર્શન કરવા કલ્યાણેશ્વર મહાદેવ મંદિર પહોંચ્યા હતા.પૂછપરછમાં બન્ને ઈસમોએ પોલીસને જણાવ્યું હતું કે નશામાં શંકર ભગવાનના દર્શન કરવામાં નંદી મહારાજની મૂર્તિ અડચણરૂપ બની રહી હતી. દારૂના નશામાં પોતાના પર કાબૂ ગુમાવેલા બન્ને ઈસમોએ અડચણરૂપ બનતી નંદી મહારાજની મૂર્તિને જ તોડી ફેંકી હતી. અને ત્યારબાદ ઉશ્કેરાયેલા મિત્રોએ અન્ય મૂર્તિઓ તોડવાનું પણ શરૂ કર્યું હતું. આમ આ બન્ને મિત્રોએ નંદી મહારાજની કુલ બે અને અન્ય બે સંતોની મૂર્તિઓ ખંડિત કરી હતી.
પોલીસ પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે મંદિરની અંદર નશામાં આ અધમ મચાવતી વેળાએ એક આરોપીને પગમાં ઇજા પણ પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે પોલીસને એક મૂર્તિ પરથી લોહીના નિશાન પણ મળી આવ્યા હતા. તો પકડાયેલ બેમાંથી એક આરોપીના પગ પર પાટો પણ બાંધેલો હતો. પોલીસે બન્નેની અટક કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમણે આપેલા નિવેદનને પુરવાર કરવા તેમના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે જેને મૂર્ત પર મળેલા લોહી સાથે સરખાવી રિપોર્ટના કોર્ટમાં રજૂ કરવામાં આવશે.