મહાત્મા ગાંધીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીએ વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાની ના પાડી દીધી છે. તેમણે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે સંયુક્ત વિપક્ષ દ્વારા તેમના નામની ઓફર માટે તેઓ આભારી છે. પરંતુ હું ચૂંટણી લડી શકું તેમ નથી. વિપક્ષે બીજા કોઈ સારા ઉમેદવાર શોધવા જાઈએ.
કેટલાક વિપક્ષી નેતાઓએ ગોપાલ કૃષ્ણ ગાંધી સાથે ફોન પર વાત કરી હતી અને તેમને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાની ઓફર કરી હતી. આ પહેલા ૨૦૧૭માં વિપક્ષે પણ તેમને વેંકૈયા નાયડુ સામે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ગોપાલ કૃષ્ણ ગાંધી ભૂતકાળમાં રાજદ્વારી રહી ચૂક્યા છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે પણ તેમણે ૨૦૦૪થી ૨૦૦૯ સુધી સેવા આપી હતી. એટલું જ નહીં, તેઓ દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશનર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પર વિપક્ષ વચ્ચે હજુ સુધી કોઈ સહમતિ નથી બની શકી. ગત સપ્તાહે મમતા બેનરજીએ આ મુદ્દે દિલ્હીમાં વિપક્ષની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કોંગ્રેસ સહિત ૧૭ પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં કેટલાક નેતાઓએ એનસીપી નેતા શરદ પવારને ચૂંટણીમાં ઉતારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ તેમણે ઈન્કાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે તેઓ અત્યારે સક્રિય રાજકારણમાં રહેવા માંગે છે. તેમના સિવાય ફારુક અબ્દુલ્લાએ પણ આ વાતનો ઈનકાર કર્યો છે. આવી સ્થિતિતિમાં ગોપાલ કૃષ્ણ ગાંધીના નામની ચર્ચાઓ થઈ રહી હતી, પરંતુ હવે તેમના તરફથી પણ ઈન્કાર થયા બાદ વિપક્ષે એક નવો ચહેરો જાવો પડશે. જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને લઈને શરદ પવારે મંગળવારે દિલ્હીમાં વિપક્ષની બેઠક બોલાવી છે.