ગુજરાતીઓ આ દુનિયાની એક મહાજાતિ છે. દેશમાં આપણને વેપારી પ્રજા તરીકે ઓળખવામાં આવે છે. હકીકતમાં આપણામાંના સહુ કંઈ વેપારી નથી. પરંતુ આપણી ઓળખ વેપારી પ્રજા તરીકેની એટલે છે કે દેશના અન્ય રાજ્યોની પ્રજાની તુલનામાં આપણી નાણાંકીય સભાનતા અધિક હોય છે. આપણે વેપારી છીએ એમ લોકો કહે છે એનો અર્થ કે આપણે વેપારી તરીકે શ્રેષ્ઠ છીએ. ભારતમાં ગુજરાતીઓથી ઉપરના દરજ્જાના વેપારી તરીકે રાજસ્થાની – મારવાડીઓને માનવામાં આવે છે. અને એનાથીય ઉપર વ્યાપારી કુશળતા માટે સિંધીઓને સ્વીકારવામાં આવે છે. મૂળ વાત તો બજાર સાથે કામ કરવાની કળાની છે. પણ આ કળામાં ગુજરાતીઓ હવે પેઢીઓ બદલાતા થોડાક પાછા પડતા દેખાય છે. જેની અસર બજારો પર જોવા મળે છે.
સમાજનો નવી પેઢીનો એક મોટો વર્ગ એવો છે જે પિતા કે દાદાનો, ધંધાનો વારસો લેવા ચાહતો નથી. જો એને દુરાગ્રહથી કદાચ ધરાર ધંધામાં કે ફેક્ટરી પર બેસાડવામાં આવે તો એમાં કંઈ ભલીવાર ન હોય. ગુજરાતમાં બહારથી તો દાખલા દેવા માટે એમ દેખાતું હોય કે ધીરુભાઈ અંબાણીનો વારસો મુકેશ અંબાણીએ સંભાળી લીધો. પરંતુ સાર્વિત્રક રીતે જુઓ તો એવા ઉદાહરણો બહુ ઓછા છે. નવી પેઢી વેપાર કે ઉદ્યોગને બદલે નોકરીમાં વધુ વિશ્વાસ રાખતી થઈ ગઈ છે.
ઉપરાંત વેપારીઓએ પણ કિસાનોની જેમ પોતાની ફરિયાદો કરવાનું સતત ચાલુ રાખ્યું છે. વાત કદાચ સાચી પણ હશે પરંતુ એને કારણે એની નવી પેઢીને જ એમ થાય છે કે આમાં હવે કોઈ માલ નથી. કિસાનોની નવી પેઢી તો હવે મહત્ કિસ્સામાં જાતે ખેતી કરતી નથી. આપણા સૌરાષ્ટ્રની પ્રજાએ પંચમહાલ જિલ્લાનું તો કલ્યાણ કરી નાખ્યું છે. ગોધરાની બજારમાં સૌરાષ્ટ્રમાંથી કમાયેલા મહેનતના રૂપિયાની બોલબાલા છે. ટાવર રોડે જેટલી ગિરદી નથી એટલી તો ગોધરાની બજારોમાં છે. ધન્ય છે સૌરાષ્ટ્રના કિસાનોને કે એમણે આદિવાસીઓને પોતાને આંગણે બોલાવીને એમના જીવન ધોરણને નવી ઊંચાઈ આપી.
હકીકતમાં જુઓ તો પિતાની ખેતી કે પિતાના વેપાર-ધંધા ઊભા કરવામાં વર્ષો વીતી ગયા હોય છે અને એવડી મોટી સંપત્તિનું સર્જન કરવાની તાકાત ભાગ્યે જ કોઈ નોકરીમાં હોય છે. પરંતુ નવી પેઢી આ બધો વિચાર કરવાને બદલે પોતાના તરંગો પ્રમાણે આગળ વધે છે, જેને કારણે ક્યારેક કુટુંબમાં મતભેદ પણ થાય છે. ગુજરાતી માતા-પિતાઓએ પોતાના સંતાનોને વધારે પડતા લાડકોડમાં ઉછેર્યા એનું પરિણામ તેઓ ભોગવી રહ્યા છે. અને આવું જ પરિણામ આવે એની કોઈ નવાઈ નથી. એની સામે બહુ ઓછા સાધનો અને ઓછી સગવડમાં ઉછરેલા બાળકો આગળ જતાં બહુ તેજસ્વી થયા હોવાનું જોવા મળે છે.
સંખ્યાબંધ નાના પરિવારના સંતાનો આજે બહુ ઊંચામાં ચાલે છે. સમાજ આ બધું જોઈ રહ્યો છે. છતાં સુખી કુટુંબોમાં પોતાના સંતાનોને છાવરવામાં હજુ પણ દરેક માતા અને પિતા બહુ કુશળતાપૂર્વક વકીલાત કરતા જોવા મળે છે. એનું પરિણામ હજુ પણ વધુ ખરાબ આવવાની શક્યતા છે. પશ્ચિમના જગતમાં આવું નથી. ત્યાં તો થોડું ઘણું ભણીને નોકરી કરવા જવાની બધાને ઉતાવળ હોય છે. જ્યાં જુઓ ત્યાં દરેક વ્યક્તિ ૧૫ વર્ષની ઉંમર વટાવે કે તુરત જ એ કોઈને કોઈ પ્રોડક્ટ હાથમાં લઈને વેચવાની શરૂઆત કરી દે છે. અથવા તો કોઈ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં નોકરી કરે છે અને કોઈ પેટ્રોલ પંપે નોકરી કરવા લાગે છે. કોઈ સવારે છાપા નાખે છે, તો કોઈ ટ્રાફિક પોલીસમાં ભરતી થઈ જાય છે. પરંતુ કામ તો બધા જ કરે છે. એમ કરતા કરતા જ તેઓ લાખો ડોલરના આસામી બને છે. આપણા દેશમાં એવી પરિસ્થિતિ છે કે એક જણ કમાય અને પાંચ કે સાત જણ ખાય. ધારો કે સંતાનો નાના હોય અને ગૃહિણી ઘરનું બધું કામ સંભાળતી હોય અને ઘરનો મોભી નોકરી કે ધંધો કરતો હોય એ સ્થિતિ શરૂઆતમાં બરાબર છે.
પરંતુ સંતાનો પંદર-વીસ વર્ષના થાય પછી પણ આપણા દેશમાં તો એને કમાણી કરવાનો વિચાર આવવાને બહુ વાર લાગે છે. ગ્રેજ્યુએટ થયા પછી પણ ત્રણ-ચાર વર્ષ ભણનારા સંતાનો આપણે ત્યાં છે. એમને ભણવાની કોણ ના પાડે છે? પરંતુ તેમણે એ તો સમજવું જોઈએ કે પરિવાર ઉપર તેઓ બહુ લાંબા સમય માટે બોજ ન બની શકે. સંતાનો જ્યારે ૨૫ વર્ષના થાય ત્યારે માતાપિતાની કાર્યશક્તિ પણ મર્યાિદત થઇ હોય છે. તેમને જિંદગીમાં એક વિશ્રામની જરૂર હોય છે. તેઓએ પોતાના સંતાનોનું ઘડતર કરવાનો એક આખો તબક્કો પૂરો કરેલો હોય છે અને છતાં તેઓ પોતાના પૌત્ર કે પૌત્રીને નવેસરથી તૈયાર કરવા માટેની તૈયારીમાં જ હોય છે. પરંતુ આ સમયે જો જુવાનજોધ દીકરો પોતાની આવડત પ્રમાણેના કામકાજ હાથમાં ન લે તો એ ઘર કદી તરી શકે નહીં.
માતાપિતા એમ કહેતા નથી કે ભાઈ તું લાખ રૂપિયા કમાઈ લાવ. એ તો એમ જ કહે છે કે હવે કંઈક કામવા લાગો એટલે આપડો દિ’ સુધરતો થાય. મંદી તો હમણાં આવી. પણ મંદી ન હતી ત્યારે પણ અનેક યુવાનો રખડતા જોવા મળતા હતા. જેમાંના મોટાભાગના હજુ રખડે છે. તેઓનામાં સભાનતા જ ન હતી કે તેમની ઉંમર પૈસા કમાવા માટેની પસાર થઇ રહી છે. જુવાનીમાં કમાયેલો પૈસો જો સંપત્તિમાં રૂપાંતરિત ન થાય તો આયુષ્યને અવશેષે એ પૈસા કોઈ કામમાં આવતા નથી. આ સંસારમાં સંપત્તિ જેવી સ્થિર લક્ષ્મી બીજી એકેય નથી. એ સંપત્તિનું સર્જન કરવાની જવાબદારી નવી પેઢીની છે અને એ એની જેટલી વહેલી શરૂઆત કરે એટલો એ પરિવાર જલ્દી ઊંચો આવે છે.
જે લોકો કુંવારા રહી જાય છે એનું કારણ એક તો એ પણ છે કે વ્યાવસાયિક સાહસિકતાનો અભાવ હોય છે. અમરેલીના ધૂળ ઉડાડતા રસ્તાઓએ જાહેર અવરજવરને તો નુક્સાન કર્યું છે પરંતુ સામાજિક રીતે પણ બહુ નુકસાન કર્યું છે. કોઈ સંભવિત વેવાઈ ઉમેદવાર મુરતિયાનું ઘર જોવા અમરેલી આવે તો આ શહેરની એના પર શું છાપ પડે ? આજકાલની કન્યાઓને આવા નગરોમાં આખી જિંદગી પસાર કરવાનું ગમે ખરું ? એના પર પણ સ્થાનિક સમાજે વિચાર કરવાની જરૂર છે. અમરેલીના રસ્તાઓની ધૂળ કોઈની ભાગ્ય રેખા પર ઉડવા લાગી છે. આટલી હદે આપણે પહોંચી ગયા છીએ. આ સ્થિતિ નવી પેઢીએ સાવધાન થવાની સ્થિતિ છે. કારણ કે ઘોડાવેગે સમય વહી રહ્યો છે અને કીડી વેગે આપણે વિચારતા રહીશું તો ભવિષ્ય હાથમાંથી રેતીની જેમ સરી જશે.